જૂનાગઢ: નવરાત્રી(Navratri )ના તહેવારમાં ગરબે ઘુમવાનું અને રાસે રમવાનું મહત્વ તો છે જ, પણ જૂનાગઢ (Junagadh)માં ભાવિકો દ્વારા ગરબે ઘુમવાને બદલે જગદંબાની આરાધના અનોખી રીતે કરે છે. ભાવિકો આપણાં પરંપરાગત વાજિંત્રોના સથવારે ભારતીય બેઠકમાં બેસીને પ્રાચીન ગરબા ગાઈને આદ્યશક્તિની આરાધના કરે છે, જેને બેઠાં ગરબા (Betha Garba) તરીકે ઓળખવામાં આવે છે. બેઠાં ગરબાની આ પરંપરા અનેક વર્ષોથી ચાલી આવે છે.
બેઠાં ગરબાની વિશેષતા:
એક માન્યતા મુજબ બેઠાં ગરબાની શરૂઆત જૂનાગઢના નાગરવાડા વિસ્તારથી થઈ હોવાનું કહેવાય છે. બેઠાં ગરબાની પરંપરા અંદાજે સાત દાયકાથી ચાલી આવે છે. બેઠાં ગરબામાં ભાવિકો તબલા, ઢોલક, ઢોલ, હાર્મોનિયમ અને મંજીરા કે ઝાંઝના સથવારે માતાજીના ગુણગાન કરવા પ્રાચીન ગરબાઓ ગાય છે. બેઠા ગરબાની રચનામાં મુખ્યત્વે માતાજીના વિવિધ શણગાર, ભાવ અને જુદાજુદા સ્વરૂપનું વર્ણન થયેલું જોવા મળે છે. સામાન્ય રીતે બેઠાં ગરબાની બેઠકમાં કવિ કલાપી, સુમંત અને વલ્લભ ભટ્ટ રચિત પ્રાચીન ગરબાઓ સાંભળવા મળે છે, જે મુખ્યત્વે શાસ્ત્રીય રાગ આધારિત હોય છે.
બેઠાં ગરબા જૂનાગઢની એક આગવી પરંપરા બની ગઈ:
એક મત પ્રમાણે બેઠાં ગરબાની શરૂઆત વર્ષ 1946થી થઈ, પાકિસ્તાન સાથે જોડાવવા માંગતા નવાબે નવરાત્રીના સમયે જૂનાગઢના લોકોને નવરાત્રી રમવા કે ઉજવવા પ્રતિબંધ મૂક્યો હતો. જે વેળાએ કેટલાક માઇભક્તોએ આજુબાજુના ઘરના કેટલાક સભ્યોને ભેગા કરીને જેમ શેરીઓમાં ગરબાનું આયોજન થાય, તેમ એક ઘરમાં બેઠાં ગરબાનું આયોજન કર્યું. બહુ જાજો અવાજ ન થાય તે રીતે ધીમે હાથે તાળીઓ પાડીને બેઠાં ગરબા ગવાયાં, એમ કરતાં કરતાં બેઠાં ગરબા એ એક ઉજળી પરંપરા બની ગઈ છે.
વર્તમાન સમયમાં થતાં શોર-બકોર ભરેલાં રાસ-ગરબાના આયોજન સામે બેઠાં ગરબાનું અસ્તિત્વ એમનું એમ જળવાઈ રહ્યું છે, એ મહત્વની વાત ગણી શકાય! જેની પાછળ જૂનાગઢના નાણાવટી બ્રધર્સ પરિવાર સહિતના અનેક પરિવારો આ બેઠા ગરબાનું અસ્તિત્વ અડગ રહે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યાં છે.