જૂનાગઢ: વર્તમાન સમયમાં આપણાં સમાજમાં જ્યારે નાતજાતના ભેદભાવની ઝેરી હવા પ્રસરી રહી છે, ત્યારે બીજી બાજુ જૂનાગઢની જિલ્લા પંચાયત અને નરસિંહ વિદ્યા મંદિરના પટાંગણમાં એલઆરડી અને પીએસઆઇ (LRD, PSI) ની ફિઝિકલ ટેસ્ટની (Physical Test) તૈયારી કરતાં યુવાનો-યુવતીઓમાં કોમી એકતાની સુવાસ ફેલાઈ રહી છે. જેનું કારણ છે, જૂનાગઢનું એક સેવાભાવી અને પરોપકારી વ્યક્તિત્વ; જેનું નામ છે ઇરફાન ગરાણા.
ઇરફાનભાઈ ગરાણાનો સંક્ષિપ્ત પરિચય:
ઇરફાનભાઈ ગરાણાનો પરિચય મેળવીએ તો, તેઓ હાલ વ્યવસાયે જૂનાગઢની વણઝારી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યાં છે. સ્વાસ્થ્ય અને તંદુરસ્તીના ખાસ આગ્રહી ઇરફાન ગરાણા વર્ષ 2015 થી આજદિન સુધી પોલીસ દળમાં જવા ઇચ્છતા યુવાનોને નિઃશુલ્ક અને કોઈપણ પ્રકારના નાતજાતના ભેદભાવ વિના ફિઝિકલ ટ્રેનિંગ આપી રહ્યાં છે.
ઇરફાનભાઈને આ સેવાકાર્ય માટે પ્રેરણા ક્યાંથી મળી?
ઇરફાનભાઈ ખુદ એક ઉમદા અને અનુભવી નેશનલ એથ્લેટીક્સ પ્લેયર છે. એક દિવસ તેઓ પોતાના પુત્ર સાથે જૂનાગઢના એક ગ્રાઉન્ડ પર ગયાં. ત્યાં તેઓએ જોયું કે, બહોળી સંખ્યામાં પુરુષોની હાજરી હોવાથી, મહિલાઓ અમુક કસરતો કરવામાં સંકોચ અનુભવતી હતી. જેને કારણે તેઓએ ત્યાં સ્થળ પર જ નિર્ણય કર્યો અને બહેનો માટે એક અલાયદી જગ્યામાં ટ્રેનિંગ સેશન શરૂ કર્યાં. જે પછી અનેક બહેનોએ ઇરફાનભાઈના નેતૃત્વમાં ટ્રેનિંગ મેળવવાની શરૂઆત કરી. હાલ ઇરફાનભાઈ 90 કરતાં વધારે બહેનો અને 100 જેટલાં ભાઈઓને અલગ-અલગ જગ્યાએ ટ્રેનિંગ આપી રહ્યાં છે.
ઈરફાનભાઈએ આપેલ ટ્રેનીંગ બાદ અનેક ઉમેદરવારોએ ફિઝિકલ ટેસ્ટ ક્લિયર કરી:
ઇરફાનભાઈ દ્વારા વર્ષ 2015 થી નિઃશુલ્ક ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 800 થી વધુ બહેનો તાલીમ લઈ ચુકી છે. જેમાંથી 176 જેટલી બહેનો હાલ પોલીસ, ફોરેસ્ટ જેવા ડિપાર્ટમેન્ટમાં પોતાની ફરજ બજાવી રહી છે, બાકીની બહેનોમાંથી મોટાભાગની બહેનોએ શારીરિક કસોટી પાસ કરી લીધી છે.
ઇરફાનભાઈ હાલ બહેનોને જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ, ગાંધીચોક ખાતે સાંજે 5 વાગ્યાથી તાલીમ આપે છે. જ્યારે ભાઈઓને સવારે 7 વાગ્યાથી નરસિંહ વિદ્યામંદિરના પટાંગણમાં ફિઝિકલ ટ્રેનિંગ આપી રહ્યાં છે. ભવિષ્યમાં જો સરકાર દ્વારા વધુ મોટી જગ્યા ફાળવવામાં આવે, તેમજ પોલીસ તંત્ર અને વહીવટી તંત્રનો વધુને વધુ સહકાર મળે તો, તેઓ આ સેવાપ્રવૃત્તિનો વ્યાપ વધારવા ઈચ્છે છે, જેથી કરીને મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ સુવ્યવસ્થિત રીતે ટ્રેનિંગ કરી શકે.