જૂનાગઢની કન્યા શાળા નંબર 4માં બાળકોને શિક્ષણ સાથે જીવન ઘડતરનાં પાઠ શિખવવામાં આવી રહ્યાં છે. તેમજ જુદી જુદી સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઇને વ્યવસાયલક્ષી જ્ઞાન આપવામાં આવ્યું છે.
Ashish Parmar, Junagadh: જૂનાગઢમાં આવેલી કન્યા શાળા નં. 4માં શિક્ષણ સાથે વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવી રહી છે. શાળામાં ધોરણ 8નાં 70થી 80 વિદ્યાર્થીઓને પ્રી વોકેશનલ તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં બાળકોને જીવન ઘડતરના જુદાજુદા પાઠ શીખવવામાં આવી રહ્યાં છે. તેમજ છાત્રો દ્વારા જુદા જુદા પ્રકારની વ્યવસાયલક્ષી મુલાકાત કરવામાં આવી રહી છે.
અલગ અલગ ફિલ્ડમાં જઈ મુલાકાત કરી
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનું વેચાણ કઈ રીતે થાય? માર્કેટિંગ કઈ રીતે થાય? ડેરીમાં દૂધની પ્રોસેસ કઈ રીતે થાય?દૂધમાંથી દહીં કેવી રીતે બને?
છાશ કેવી રીતે બને? સહિતની અનેક પ્રોસેસ તથા વેસ્ટ કોઈ વસ્તુ છે તો તેમાંથી બેસ્ટ કઈ રીતે બનાવી શકાય? આ રીતે અલગ અલગ પ્રકારના ફિલ્ડની મુલાકાત લઈને વિદ્યાર્થીઓએ શીખ્યું હતું.
ઈલેક્ટ્રીક અને પ્લમ્બિંગ પણ શીખ્યું
ઇલેક્ટ્રિસિટીનું કામ કરી રહ્યા છે તો ભીના હાથે વાયરીંગને અડકવું નહીં. વાયરીંગ કઈ રીતે કરી શકાય? પ્લમ્બિંગ કઈ રીતે કરી શકાય?
પંકચર કઈ રીતે બનાવી શકાય? સહિતની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને તાલીમ દરમિયાન આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને અપાઈ આ તાલીમ
વિદ્યાર્થીનીઓને પાપડ બનાવવા, અથાણાં બનાવવા, બ્યુટી પ્રોડક્ટની માહિતી ગૃહ ઉદ્યોગોની માહિતી, વડાટ કામ, ભરત કામ, વેસ્ટમાંથી બેસ્ટ સહિતની અનેક વસ્તુઓની માહિતી અપાઈ હતી.
બાળકોને મળે છે પ્રેરણા
આસિસ્ટન્ટ શિક્ષક મયુરકુમાર કવાએ જણાવ્યું હતું કે,દરેક બાળકોમાં જુદીજુદી આવડત હોય છે. શિક્ષણ સાથે આ આવડત બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાળકોને જુદી જુદી સંસ્થાઓની મુલાકાત કરાવી હતી. સંસ્થામાં કેવી રીતે કામગીરી થઇ રહી છે, તેનાથી માહિતગાર કરાવ્યાં હતાં. બાળકો પોતાની આવડત મુજબ ભવિષ્યમાં તે ફિલ્ડમાં આગળ વધી શકે છે. શિક્ષણ સાથે વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવી છે.