Junagadh News: જૂનાગઢમાં આવેલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં (Sakkarbaug Zoo) અનેક વન્યજીવોના બ્રિડિંગ સેન્ટર (Breeding Center) કાર્યરત છે, જે પૈકી વરૂના બ્રિડિંગ સેન્ટરમાં એકજ દિવસમાં વરુના કુલ 10 જેટલાં બચ્ચાનો (Indian Wolf) જન્મ થયો છે, જેથી સક્કરબાગમાં એક વર્ષમાં કુલ 21 વરુના બચ્ચાનો જન્મ થતાં વરુની કુલ સંખ્યા 60 એ પહોંચી છે. આગામી સમયમાં આ સંખ્યામાં હજુ વધારો થશે, તેવું પણ જાણવા મળી રહ્યું છે.
સક્કરબાગ ઝૂ માં ગત તા.19મી ડિસેમ્બરના રોજ બે માદા વરુને ત્યાં 10 બચ્ચાનો જન્મ થયો છે. જેમાં પ્રજ્ઞા નામની માદા વરુએ 6 બચ્ચાને જન્મ આપ્યો છે, જ્યારે અન્ય એક માદા વરુ જે માદા વરુ પ્રજ્ઞાની પુત્રી છે, તેણે 4 બચ્ચાને જન્મ આપ્યો છે. આમ, સક્કરબાગમાં એકજ દિવસમાં બે વરુ માતા દ્વારા કુલ 10 બચ્ચાને જન્મ આપવામાં આવ્યો છે.
આ વિશે વધુ માહિતી આપતાં જૂનાગઢ સક્કરબાગ ઝૂ ના રેન્જ ઓફિસર નિરવકુમાર મકવાણાએ જણાવ્યું હતું કે, પ્રજ્ઞા નામની માદા વરુ અને તેની પુત્રી બંને પ્રેગનન્ટ હતાં, જેના થકી 10 વરુ બચ્ચાનો જન્મ એકજ દિવસે થયો છે. પ્રજ્ઞા નામની માદા વરુએ ગત વર્ષે 5 બચ્ચાને અને ચાલુ વર્ષે 6 બચ્ચાને જન્મ આપતાં, બે વર્ષમાં કુલ 11 બચ્ચાને જન્મ આપ્યો છે. જે દરમિયાન સક્કરબાગમાં એક વર્ષ દરમિયાન કુલ 21 વરુના બચ્ચાનો જન્મ થતાં એક નવો રેકોર્ડ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ, હજુ પણ 3 થી 4 માદા વરુ ગર્ભવતી છે, જેના થકી આગામી સમયમાં વરુના બચ્ચાંની સંખ્યામાં વધારો થવાની પૂર્ણ સંભાવના છે. જો કે, આ જન્મ આગામી જાન્યુઆરી મહિનામાં થશે, તેવું જાણવા મળી રહ્યું છે. વધુમાં એ પણ જાણવા મળ્યું કે, વર્ષ 2019 માં વરુના કુલ 15 બચ્ચા, વર્ષ 2020માં 7 બચ્ચા, વર્ષ 2021 માં કુલ 21 બચ્ચાનો જન્મ થયો છે. હાલ સક્કરબાગ ઝૂ માં વરુની કુલ સંખ્યા 60 એ પહોંચી છે.