Junagadh News: અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં પણ મહિલાઓ પર અત્યાચારનું (Atrocities on women) પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં (Junagadh District) મહિલાઓ પર થતાં અત્યાચારની બે ઘટનાઓ (Crime) સામે આવી છે. જેમાં જૂનાગઢ બિલખા ગામે એક શખ્સએ મહિલા પર હોકી વડે હુમલો કર્યો, જ્યારે કેશોદમાં મહિલા કંડકટરને લાફા મારીને, ગાળો ભાંડીને ફરજમાં રૂકાવટ કરી હોવાની ઘટના બની છે.
જૂનાગઢ જિલ્લા પોલીસમાંથી મળતી વિગત મુજબ, બિલખામાં રહેતાં રેણુકાબેન કાંતિભાઈ પંડ્યાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, રેણુકાબેને તેમના ગામના ભુપભાઈ વાળાના પુત્ર મહાવીરને કહ્યું હતું કે, તું મારા દીકરા જયનીશને ખોટા ધંધે ન ચડાવતો. જે બાબતનું મનદુઃખ રાખીને ભૂપભાઈ વાળાએ રેણુકાબેનના ઘર પાસે આવી ગાળો ભાંડી હતી. એટલું જ નહીં, ફરિયાદી મહિલાને હોકીનો ઘા મારીને ઇજાઓ પહોંચાડી હતી.
જ્યારે જૂનાગઢના કેશોદમાં મહિલા કંડકટર તરીકે ફરજ બજાવતા ભાવનાબેન અરવિંદભાઈ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ભાવનાબેન ફરજ પર હોય એવા સમયે એક અજાણ્યા મુસાફરે તેમની સાથે ઉંચા અવાજે વાત કરી હતી, જેથી ફરિયાદી મહિલા કંડકટર ભાવનાબેને તેમને ઉંચા અવાજે વાત કરવાની ના પાડતા શખ્સ ઉશ્કેરાય ગયો હતો અને ગાળો ભાંડી મહિલા કંડકટરને બે થપ્પડ મારી ફરજમાં રૂકાવટ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બંને ઘટનાઓની ફરિયાદ નોંધાતા જૂનાગઢ જિલ્લા પોલીસએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.