જૂનાગઢ: દર વર્ષે 6 ડિસેમ્બરના દિવસને 'હોમગાર્ડ સ્થાપના દિવસ' (Indian Home Guard) તરીકે ઉજવવામાં આવે છે. સમાજમાં થતાં કોમી વિખવાદ, કુદરતી આફતો અને આકસ્મિક સંજોગોમાં પોલીસની (Police) સહાયતા માટે વર્ષ 1946 માં હોમગાર્ડ વિભાગની (Home Guard) સ્થાપના કરવામાં આવી હતી, ત્યારથી લઈને આજદિન સુધી આપણી સુરક્ષામાં હંમેશા માટે ખડેપગે રહેતાં હોમગાર્ડ જવાનો કોમી હુલ્લડ, યુદ્ધ, વાવાઝોડા, ભૂકંપ જેવી કુદરતી આફતો કે અન્ય આકસ્મિક સંજોગોમાં હંમેશા પ્રવૃત રહ્યાં છે.
હોમગાર્ડ વિભાગની સ્થાપના કોણે, ક્યારે અને શા માટે કરી?
વર્ષ 1946માં મુંબઈ ખાતે થયેલા સામાજિક વિખવાદ અને કોમી હુલ્લડો થયેલ ઉથલપુથલમાં પોલીસ કર્મીઓના સહાયક રૂપે પ્રશાસનની સહાયતા માટે નાગરિકોના સ્વૈચ્છિક બળ સ્વરૂપે સ્વ.પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈના નેતૃત્વમાં હોમગાર્ડ વિભાગની સ્થાપના કરવામાં આવી. જે પછી ગુજરાત સહિત ઘણા રાજ્યો દ્વારા સ્વૈચ્છિક નાગરિક દળ 'હોમગાર્ડ' નો ખ્યાલ અપનાવવામાં આવ્યો.
હોમગાર્ડના મુખ્ય કાર્યોમાં આ સમાવિષ્ટ છે;
- કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્રના સહાયક બનીને સમાજસેવા કરીને મહત્વની ભૂમિકા ભજવે છે. - સામાન્ય વેતનમાં કુદરતી આફતો કે કરફ્યુ સમયે જીવના જોખમે કામ કરે છે. - આકસ્મિક સંજોગોમાં પોલીસ દલ સાથે ખભેખભા મિલાવીને કોઈપણ સમુદાયની મદદ કરે છે. - દેશની રક્ષા સાથે જોડાયેલા પ્રત્યક્ષ અને પરોક્ષ કાર્યોમાં પોતાના પરિવારની ચિંતા કર્યા વિના દેશ ભાવના સાથે સેવા આપી રહ્યાં છે.
હોમગાર્ડ જવાનોમાં મહિલા અને પુરુષ એમ બંનેનો સમાવેશ થાય છે. નજીવા વેતનમાં તેઓ પોલીસ જવાનો સાથે પોતાની ફરજ અદા કરે છે. હોમગાર્ડ જવાનોને મહિનાના 27 દિવસ કામગીરી કરવાની હોય છે. હોમગાર્ડ જવાનો પ્રતિદિન અંદાજે રૂ.300 માનદ વેતન તરીકે આપવામાં આવે છે. હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદા 55 વર્ષની હોય છે, સસ્પેન્ડ કરવામાં આવેલ હોમગાર્ડ જવાનને પુનઃ નોકરીમાં લાવવામાં આવતાં નથી.
જૂનાગઢ હોમગાર્ડ કચેરી ખાતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી:
આજરોજ તા.6 ડિસેમ્બર ના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ સવારે હોમગાર્ડના જવાનો દ્વારા માર્ચનું આયોજન થયું. જેમાં મોટી સંખ્યામાં જવાનોએ ભાગ લઈને હોમગાર્ડ કચેરી થી ચિત્તાખાના ચોક સુધી માર્ચનું આયોજન કર્યું. જે બાદ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક હોમગાર્ડ જવાનોએ પોતાનું કિંમતી રક્ત આપીને સમાજસેવામાં વધુ એક યોગદાન આપ્યું. આ તકે હોમગાર્ડ જવાનોને પ્રસંશાપત્રો પણ એનાયત કરવામાં આવ્યાં. સમગ્ર કાર્યક્રમ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ યોગેશ ડોબરીયા સાહેબની આગેવાનીમાં ઉજવાયો હતો.