Home /News /junagadh /

Gujarat Assembly Elections 2022: એક સમયે ભાજપનો ગઢ ગણાતી હતી વિસાવદર બેઠક, આજે કંઇક આવું છે રાજકીય દ્રશ્ય

Gujarat Assembly Elections 2022: એક સમયે ભાજપનો ગઢ ગણાતી હતી વિસાવદર બેઠક, આજે કંઇક આવું છે રાજકીય દ્રશ્ય

Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં વિસાવદર બેઠક પર ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે.

Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં વિસાવદર બેઠક પર ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે.

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ હવે સાવ નજીકથી સંભળાઇ રહ્યા છે. તેવામાં રાજ્યની દરેક બેઠક પર નવા નવા સમીકરણો બની રહ્યા છે, તે પછી રાજકીય હોય કે જાતિગત. દરેક પક્ષ પોતાની વોટબેંકને સુરક્ષિત રાખવામાં અને વિસ્તારવામાં મથી રહ્યો છે. ત્યારે આજે આ લેખમાં અમે તમને જણાવશું જૂનાગઢ જિલ્લાની સૌથી ચર્ચિત બેઠક વિસાવદર વિશે.

  એક સમયે ભાજપનો ગઢ હતી વિસાવદર બેઠક

  જુનાગઢ જીલ્લામાં સમાવિષ્ટ થતી વિસાવદર વિધાનસભા બેઠક એક સમયે ભાજપનો અભેદ્ય કિલ્લો હતી. અહીં ભાજપે 1995થી 2007 સુધી સતત ચાર ટર્મ રાજ કર્યુ હતું. હાલ અહીં જ્ઞાતિ આધારીત સમીકરણ મંડરાઇ રહ્યા છે. આ સ્થિતિમાં આ બેઠક પર તમામ પક્ષોએ ઉમેદવારોની પસંદગીમાં ખાસ ખ્યાલ રાખવો પડશે.

  આ બેઠક પર અંદાજે સવા લાખ પાટીદાર મતદારો છે. જેથી છેલ્લા કેટલાક વર્ષોમાં પાટીદાર અનામત આંદોલનની અસરના કારણે કોંગ્રેસને માત્ર વિસાવદર બેઠક પર જ નહીં, પરંતુ જૂનાગઢ જીલ્લાની અન્ય બેઠકોમાં પણ લાભ થયો હતો. ઉલ્લેખનીય છે કે, સંત અને શૂરા માટે જાણીતી સોરઠની ભૂમિ પરના જ્ઞાતિના કોયડા ઉકેલવા એ ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો માટે હંમેશા અઘરા રહ્યા છે.

  વિસાવદર બેઠકનો ટૂંકો રાજકીય ઇતિહાસ

  - 1962માં આ બેઠક પર યોજાયેલી પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના મદીનાબેન નાગોરીએ આઇએનડીના શારદાબેન પટેલને 6771 મતોના માર્જીનથી મ્હાત આપી હતી.

  - 1967માં SWAના કે. ડી ભેસાણીયા વિજયી બન્યા હતા.

  - 1972માં ફરી કોંગ્રેસના રામજીભાઇ કરકરે સત્તાનું સુકાન સંભાળી એનસીઓના રતીલાલ રીબડીયાને મ્હાત આપી હતી.

  - જોકે 1975માં કેએલપીના કુરજીભાઇ ભેસાણીયાએ કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી ગોવિંદ પટેલને 8544ના માર્જીનથી હરાવ્યા હતા.

  - 1980માં જેએનપીના ધીરજલાલ રીબડીયાએ 3066 મતોની સરસાઇ સાથે જીત મેળવી હતી.

  - 1985માં કોંગ્રેસના પોપટલાલ રામાણીએ ભાજપને ભીખાલાલ પટેલને હારનો સ્વાદ ચખાવ્યો હતો.

  - 1990માં ભેસાણીયા કુરજીભાઇએ જેડીમાંથી જીત મેળવી હતી.

  - 1995માં ભાજપના કેશુભાઇ પટેલે કોંગ્રેસના કુરજીભાઇ ભેસાણીયા સામે જીતનો પરચમ લહેરાવ્યો હતો.

  - 1998માં ભાજપના ઉમેદવાર કેશુભાઇ પટેલે કોંગ્રેસના ઉમેદવાર કેશુભાઇ આંબલીયાને હાર આપી હતી.

  - ત્યાર બાદ 2002 અને 2007 એમ સતત બે ટર્મ સુધી ભાજપના કનુભાઇ ભાલાળાએ સત્તા મેળવી હતી.

  ­- વર્ષ 2012માં કેશુભાઇ પટેલે જીપીપીમાંથી જીત મેળવી.

  - વર્ષ 2017માં કોંગ્રેસના હર્ષદ રિબડીયાની જીત સાથે ભાજપનું આ બેઠક જીતવાનું સપનું રોળાયું હતું.

  વિસાવદર બેઠક પર મતદારોનું ગણિત

  આ બેઠક પર અંદાજીત કુલ 2, 58, 104 મતદારો છે. જેમાં અંદાજે 1,34,870 પૂરૂષ મતદારો છે, જ્યારે 1,23,232 સ્ત્રી મતદારો છે. આ બેઠક પર 1,35,000 પાટીદાર મતદારો છે. જ્યારે 21000 દલિત મતદારો, 20,000 કોળી મતદારો, 12,000 મુસ્લિમ મતદારો છે.

  વિસાવદર બેઠક પરના વિવાદો

  - ગુજરાત વિધાનસભાના ઉપદંડક અને વિસાવદર ભેંસાણના ખેડુતપુત્ર ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ મીડિયા સમક્ષ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કોંગ્રેસના ધારાસભ્યો પર અમોને પૂરો વિશ્વાસ છે અને એમના સંપૂર્ણ સહયોગથી અમે રાજ્યસભાની બન્ને બેઠકો જીતી જવાના છીએ.

  કોંગ્રેસના ધારાસભ્યો એક જૂથ થઇ ભાજપની ખરીદ વેચાણ દુકાનને તાળા મારશે તેમજ એક જાગૃત ધારાસભ્ય વતી ખાતરી આપું છું કે અમે એકજૂથ થઇ બન્ને ઉમેદવારોને જીતાડીશું.

  - જૂનાગઢ જિલ્લાને મગફળી કૌભાંડનું એપી સેન્ટર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા ગણાવ્યું હતું. દર વર્ષે જૂનાગઢ જિલ્લામાં આવા કૌભાંડ થતા રહે છે. તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં અગાઉ બે વખત મગફળી કૌભાંડ ઉપરાંત કેશોદમાં તુવેર કૌભાંડ પણ થઇ ચુક્યા છે.

  આ વર્ષે સતત ત્રીજી વખત ફરીથી મગફળી કૌભાંડ થતા હવે જૂનાગઢ એપી સેન્ટર બની ગયું છે અને સરકાર માત્ર કૌભાંડીઓને નહીં છોડે તેવા પોકળ દાવાઓ જ કરે છે તેવા આક્ષેપો હર્ષદ રિબડીયાએ કર્યા હતા.

  - વિસાવદર તાલુકામાં પીજીવીસીએલના ખેતીવાડીમાં બળી ગયેલા સંખ્યાબંધ ટ્રાન્સફોર્મર બદલવાની અવાનવાર માંગ ઉઠતી રહે છે. આ મામલે સરપંચોની ફરિયાદ બાદ સાંસદ રાજેશભાઇ ચુડાસમા અને ભાજપના જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટભાઇ પટેલે ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલને રજૂઆતો પણ કરી હતી. જેમાં કહેવાયું હતું કે, માત્ર ટ્રાન્સફોર્મર બદલવાના વાંકે ખેડૂતોને મોટી આર્થિક નુકસાની ભોગવવી પડી શકે છે.

  - AICCના સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝાએ ગુજરાતના વિકાસને ભ્રામક ગણાવ્યો હતો. ઓઝાએ વડાપ્રધાન મોદી પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં ગુજરાતના વિકાસને લઇને ગપગોળા ચલાવી રહ્યા છે. રામકિશન ઓઝા પાછલા ઘણા સમયથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે,

  ત્યારે તેમની સામે ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યાથી લઈને રોજગારી ખેડૂતોના પ્રશ્નો સહીત અનેક મુદ્દાઓને લઈને અપરંપાર સમસ્યાઓ જોવા મળી રહી છે. સમસ્યાઓમાં ઘેરાયેલું ગુજરાત અત્યારે દેવાના ડુંગર નીચે પણ દબાયેલું જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મોડલને સામે રાખીને દેશના લોકો સાથે વિકાસના નામે છેતરપિંડી કરી રહ્યા છે.  વિસાવદર બેઠક પર યોજાયેલી ચૂંટણીઓ

  ચૂંટણી વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  2017હર્ષદ રિબડીયાકોંગ્રેસ
  2012કેશુભાઇ પટેલજીપીપી
  2007કનુભાઇ ભાલાળાભાજપ
  2002કનુભાઇ ભાલાળાભાજપ
  1998કેશુભાઇ પટેલભાજપ
  1995કેશુભાઇ પટેલભાજપ
  1990કુરજીભાઇ ભેસાણીયાજેડી
  1985પોપટલાલ રામાણીકોંગ્રેસ
  1980ધીરજલાલ રિબડીયાજેએનપી
  1975કુરજીભાઇ ભેસાણીયાકેએલપી
  1972રામજીભાઇ કરકરકોંગ્રેસ
  1967કે ડી ભેસાણીયાSWA
  1962મદીનાબેન નાગોરીકોંગ્રેસ

  શું છે આ બેઠક પર જનતાની માંગ?

  વિસાવદર બેઠક પર અનેક પાયાની જરૂરિયાતો અભાવ જનતામાં રોષનું કારણ બન્યો છે. લોકોને પૂરતી આરોગ્ય સુવિધા ન મળતા રાજકોટ-અમદાવાદ કે દૂર દૂર સુધી સારવાર માટે જવું પડે છે. સરકારી હોસ્પિટલોની સુવિધાઓને પણ ખાનગી હોસ્પિટલો જેટલી સરળ અને ઝડપી બનાવવાની માંગ લોકોમાં મુખ્ય છે.

  આ વિસ્તારમાં સરકારની કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળી રહે તે પણ જનતાની માંગ છે. જો આ યોજના અહીં લાગૂ થાય તો ખેડૂતોને રાત્રિના અંધકારમાં જંગલી જાનવરોના ભય હેઠળ ખેતરોમાં જવાની નોબત ન આવે. આ સિવાય રોડ-રસ્તા અને સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ પૂરી પાડવી, અનેક ગામડામાં વીજળીની સમસ્યા જેવી ફરીયાદો લોકોમાં ઉઠવા પામી છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Visavadar

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन