ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly election 2022)ની તારીખો હજી જાહેર થઈ નથી, પણ ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષ પોતાની તૈયરીમાં લાગી ગયા છે. હાલ સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો પર ભાજપનું રાજ છે. આ બેઠકો ગેમ ચેન્જર બની શકે તેમ છે, જેથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સખત મહેનત કરે છે. આમ તો સૌરાષ્ટ્ર - સોરઢની કેટલીક બેઠકો (Saurashtra seats) પર કોંગ્રેસની પકડ મજબૂત હતી, પણ રાજકીય તોડફોડના કારણે અમુક સ્થળે કોંગ્રેસને મુશ્કેલીઓ ઊભી થઈ હતી. આવી જ એક બેઠક માણાવદર વિધાનસભા બેઠક (Manavadar Assembly constituency) છે. જ્યાં 2019ની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસનું રાજ હતું અને તે હવે ભાજપના હાથમાં છે.
વર્તમાન સમયે માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના જવાહર ચાવડા ધારાસભ્ય તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ 2019ની આસપાસ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા હતા અને 2019ની પેટા ચૂંટણીમાં આ બેઠક પર ભાજપના ઉમેદવાર હતા. તેમની સામે કોંગ્રેસે અરવિંદ લાડાણીને ઊભા રાખ્યા હતા.
ઉપરાંત પાંચ અપક્ષોએ ચુંટણીમાં ઝંપલાવ્યું હતું. બીજી તરફ એનસીપીના ઉમેદવાર રેશમ પટેલે પણ ચર્ચા જગાવી હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં જવાહર ચાવડા કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો ભાજપના ઉમેદવાર સામે વિજય થયો હતો.
ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના પક્ષ માટે બેઠકનું મહત્વ
અહી ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાની સોરઠ પંથકની બેઠકોને સૌરાષ્ટ્રની મહત્ત્વની બેઠકો તરીકે ઓળખવામાં આવે છે. સોરઠમાં 9 વિધાનસભાની બેઠકો છે. આ બેઠકોને કોંગ્રેસની પરંપરાગત બેઠકો ગણવામાં આવતી હતી. ગત વિધાનસભાની ચૂંટણીઓમાં આ 9 બેઠકો જીતવામાં ભાજપને નિષ્ફળતા મળી હતી.
આજે પણ આ બેઠકો ભાજપ માટે સરળ નથી. આવી પરિસ્થિતિમાં સોરઠની માણાવદર સહિતની 9 બેઠકો પર ભાજપ કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટી તૈયારી કરી રહી છે. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિતના આપના આગેવાનો જૂનાગઢ જિલ્લામાં સતત પ્રવાસ કરતાં જોવા મળે છે. તેના પાર્ટી આ 9 બેઠકો રાજકીય પક્ષો માટે મહત્વની હોવાનું ફલિત થાય છે.
કોણ છે જવાહર ચાવડા?
જવાહર ચાવડા આહિર સમાજના અગ્રણી છે. સૌરાષ્ટ્રમાં આહિર સમાજની યુનિટી કોઈ પક્ષને જીતાડે-હરાવે તેવી છે. જવાહરભાઈના પિતા પેથલજી ચાવડાનો રાજકીય વારસો તેમણે સંભાળ્યો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને જામનગરમાં પેથલજીભાઈ શિક્ષણ માટે કામ કરતા હતા. સમાજ ઉપયોગી કામ માટે પેથલજી ચાવડા પણ લોકનેતા તરીકે જાણીતા હતા.
માણાવદરમાં સૌથી પહેલા પેથલજી ચાવડાએ લોકોના દિલ જીત્યા હતા. જવાહર ચાવડાના પિતા પેથલજી ચાવડા માણાવદરના ધારાસભ્ય બન્યા હતા. પિતાના વારસાને સંભાળતા પેથલજીભાઈ પહેલી ચૂંટણી 1995માં લડ્યા હતા. ભાજપના પ્રખર મજબૂત એવા દશકામાં પેથલજીભાઈ ભાજપ સામે હારતા રહ્યાં છે.
1995માં રતિલાલ સુરેજા સામે જવાહર ચાવડા ચૂંટણી હારી ગયા હતા. 1998માં પણ ફરી રતિલાલ સામે જવાહર ચાવડા હારી ગયા હતા. 2007માં પહેલીવાર જવાહર ચાવડા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જેની સામે બે વાર ચૂંટણી હાર્યા હતા તે રતિભાઈને જવાહર ચાવડાએ હરાવ્યા હતા. 2012માં રતિભાઈ સુરેજાને હરાવીને બીજીવાર જવાહર ચાવડા ધારાસભ્ય બન્યા હતા.
2017માં પણ જવાહર ચાવડા ધારાસભાની ચૂંટણી જીતીને ત્રીજી વાર ધારાસભ્ય બન્યા હતા. 2017માં જવાહર ચાવડાએ નીતિન ફળદુને હરાવીને માણાવદર બેઠક જીતી હતી. ત્યારબાદ તે સમયના કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ 2019માં માણાવદર બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2019
જવાહર ચાવડા
ભાજપ
2017
જવાહર ચાવડા
કોંગ્રેસ
2012
જવાહર ચાવડા
કોંગ્રેસ
2007
જવાહર ચાવડા
કોંગ્રેસ
2004
રતિલાલ સુરેજા
ભાજપ
1998
રતિલાલ સુરેજા
ભાજપ
1995
રતિલાલ સુરેજા
ભાજપ
1990
જવાહર ચાવડા
કોંગ્રેસ
1985
જશુમતી પટેલ
કોંગ્રેસ
1980
મૂળજી હુડકા
કોંગ્રેસ (આઈ)
1975
વલ્લભ પટેલ
કેએલપી
1972
દેવજી વણવી
કોંગ્રેસ
1967
મનહરલાલ ચાવડા
કોંગ્રેસ
1962
મનહરલાલ ચાવડા
કોંગ્રેસ
આ ઉપરાંત માણાવદર માર્કેટીંગ યાર્ડની ગત ચૂંટણીમાં યાર્ડમાં તમામ બેઠક પર ભાજપ પ્રેરિત ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાની પેનલનો વિજય થયો હતો. માણાવદર માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાની પેનલો છેક 1988થી બિનહરીફ થતી હતી, પણ આ વખતે અરવિંદ લાડાણીએ પોતાની પેનલને યાર્ડમાં મેદાને ઉતારી હતી. આમ છતાં 16 પૈકી 6 બેઠકો બિનહરીફ થઇ ગઇ હતી.
માણાવદર બેઠક હેઠળના વિસ્તારો
માણાવદર વિધાનસભામાં માણાવદર વંથલી અને મેંદરડા તાલુકાનો સમાવેશ થાય છે. જેમાં માણાવદર તાલુકાના 55, વંથલીના 45 અને મેંદરડાના 38 ગામડાઓનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠળ હેઠળ માણાવદર વંથલી અને બાટવા ત્રણ નગરપાલિકાનો સમાવેશ થાય છે. કુલ 138 ગામની વિધાનસભામાં 2,70,000 આસપાસ મતદારો છે.
માણાવદર બેઠકના મતદારો
માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં 125681 પુરૂષો તથા 114279 મહિલાઓ મળી કુલ 2,39,960 મતદારો નોંધાયા હતા. તેમણે 286 બુથ ઉપર મતદાન કર્યું હતું. માણાવદર બેઠકમાં વંથલી તથા મેંદરડા તાલુકાનો સમાવેશ થાય છે. આ બેઠક પર પાટીદાર મતદારોની સંખ્યા સૌથી વધુ છે. આંકડા મુજબ માણાવદર વિધાનસભામાં સૌથી વધુ કડવા પટેલ મતદારો છે. છતાં પણ કડવા પટેલ ઉમેદવારને જવાહર ચાવડા હરાવતા આવ્યા છે.
માણાવદરના મતદારોની સમસ્યા
માણાવદર એક સમયે જીનીંગ ઉદ્યોગનું હબ હતું. જોકે, હવે આ ઉદ્યોગ માણાવદરમાંથી નામશેષ થઈ ગયો છે. પરિણામે હવે સ્થાનિક રોજગારીની તકલીફ ઊભી થઈ છે. બીજી તરફ ચોમાસામાં આ વિધાનસભા બેઠક હેઠળના કેટલાક ગામમાં તકલીફો ઊભી થાય છે.
ભાદર અને ઓઝત નદીના પાણી ખેતરો અને ગામમાં ફરી વળતાં હોવાના બનાવો ભૂતકાળમાં બન્યા જ છે. ખેડૂતોના ઉભા પાકનું તો ધોવાણ થાય છે, સાથોસાથ જમીનો અને રોડ-રસ્તાઓનું પણ ધોવાણ થાય છે. આ સમસ્યાનું નિરાકરણ આવતું નથી.
માણાવદર પંથકનો ઈતિહસ
ઈ.સ. 1947માં બ્રિટિશ રાજના અંત પછી જુનાગઢ રજવાડાને આધીન હોવાને કારણે માણાવદરને ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કરવાનો સ્વતંત્ર અધિકાર ન હતો તેમ છતાં 14 સપ્ટેમ્બર 1947ના રોજ માણાવદરના ખાન સાહેબ ગુલામ મોઈન્નુદ્દીન ખાનજીએ પોતાનું રજવાડું પાકિસ્તાનમાં વિલિન કર્યું હતું.
અલબત્ત જુનાગઢ પોતે બરોડા રજવાડાને અધિન હોવાથી તેને પણ એ પ્રકારનો નિર્ણય લેવાનો હક્ક નહતો. આ દરમિયાન 22 ઓક્ટોબર 1947ના ભારતીય પોલીસ ટુકડીઓ માણાવદર મોકલવામાં આવી અને સરકારે માણાવદરનું વ્યવસ્થાપન પોતાના હાથમાં લીધું હતું અને નવાબ સાહેબને સોનગઢમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં સૌરાષ્ટ્રના જુનાગઢ અને માણાવદર ઉપરાંત હૈદરાબાદને પણ પુન: પોતાના વિસ્તાર દર્શાવ્યા હતા.
અહી ઉલ્લેખનિય છે કે, માણાવદરમાં આવનાર ચૂંટણી દરમિયાન ભાજપ-કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી અને જંગ થાય તેવી શક્યતાઓ છે. અનેક ચૂંટણીઓનો બહોળો અનુભવ ધરાવતા જવાહર ચાવડા પોતે વિકાસકાર્યો લઈને મતદારો સમક્ષ જશે પરંતુ જ્ઞાતિવાદનું ફેક્ટર કેટલુ ચાલે છે તેના પર વિધાનસભાનું પરિણામ રહેશે.