આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ધીમેધીમે હવે રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. દરેક રાજકીય પક્ષ ઓડીચોટીનુ જોર લગાવી રહી છે. ત્રિપાંખિયા જંગને કારણે આ વખતની ચૂંટણી ઘણી જ રસપ્રદ બની રહેશે. રાજ્ય વિધાનસભાની 182 બેઠકો પૈકી જૂનાગઢ શહેર અને જિલ્લાની કુલ 5 બેઠકો પર ચૂંટણી યોજાશે. જૂનાગઢ જિલ્લામાં કુલ 5 વિધાનસભાની બેઠકો આવેલી છે. જૂનાગઢ માણાવદર, વિસાવદર, કેશોદ અને માંગરોળ વિધાનસભા બેઠક જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ વિધાનસભામાં કરી રહી છે. આજના આ આર્ટિકલ અંતર્ગત આજે આપણે વાત કરીશું કેશોદ વિધાનસભા બેઠક વિશે.
કેશોદ વિધાનસભા બેઠક
કેશોદ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું શહેર અને મુખ્ય મથક છે. આ સાથે જ તે ગુજરાતની 182 વિધાનસભઆ બેઠકોમાંની એક છે. જૂનાગઢ જિલ્લાની 88 નંબરની કેશોદ વિધાનસભા બેઠક પર અંદાજીત 2.25 લાખ મતદારો મતાધિકાર ધરાવે છે. કેશોદ શહેરનો વસ્તી, કલા, શિક્ષણ, સુવિધા અને સાંસ્કૃતિક રીતે ઘણો ઝડપી વિકાસ થઇ રહ્યો છે. તાલુકામાં મગફળી વિણાટ મિલ અને તેલમિલનો ઉદ્યોગ મુખ્ય છે.
મતદારો
કેશોદ વિધાનસભા બેઠક પર અંદાજિત 2.25 લાખ મતદારો છે. જેમાં 1.22 લાખ પુરુષ અને 1.07 લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ મતદારોમાં 40 હજારની આસપાસ કોળી મતદારો, 38 હજારની આસપાસ લેઉવા અને કડવા પાટીદારો, 32 હજારની આસપાસ સોરઠીયા અને મસોયા આહિર મતદારો, 20,000 દલિત મતદારો, 9થી 10 હજારની વચ્ચે લઘુમતી મતદારો, 12 હજારની આસપાસ કાઠી, હાટી, મહિયા રાજપૂત દરબારો, 5 હજાર જેટલા મહેર, 3000 જેટલા લોહાણા, 4000 જેટલા બ્રાહ્મણ અને 2500 જેટલા સિંધી મતદારો કેશોદ વિધાનસભા બેઠક પર મહત્વના મતદારો છે.
કેશોદ વિધાનસભા બેઠક પર કોળી, પાટીદાર, આહિર, દલિત અને લઘુમતી સમાજના મતદારો નિર્ણાયક મતદાર તરીકે છેલ્લા 30 વર્ષથી સામે આવી રહ્યા છે. કેશોદ વિધાનસભા બેઠક પર કોળી, લેઉવા અને કડવા પાટીદાર, મસોયા અને સોરઠીયા, આહિર, દલિત, લઘુમતી, મહીયા, કાઠી, હાટી અને રાજપૂત સાથે સાથે મહેર, લોહાણા, સિંધી અને બ્રાહ્મણ મતદારો પણ ચૂંટણીના પરિણામોને કોઇપણ રાજકીય પક્ષની તરફેણમાં પરિવર્તિત કરી શકવા માટે ખૂબ નિર્ણાયક બને છે. વર્ષ 1975થી 2012 સુધી કેશોદ વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત જાહેર કરવામાં આવી હતી.
રાજકીય સમીકરણ
ભાજપ મુખ્યત્વે કોળી જ્ઞાતિના ઉમેદવારને પસંદ કરે તો કોંગ્રેસ પાટીદાર ઉમેદવાર પર ફરી એકવાર વિજયી કળશ ઉતારી શકે છે. તો પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી પણ મુખ્યત્વે કોળી કે આહિર જ્ઞાતિના કાર્યકરને પોતાનો ઉમેદવાર બનાવશે જે કેશોદ વિધાનસભા બેઠક પર કોઈ એક ચોક્કસ રાજકીય પક્ષના દબદબાની સાથે જ્ઞાતિ અને જાતિના સમીકરણ પર નવી રાજકીય ગઠજોડ કેશોદ વિધાનસભાની બેઠક પર વિશેષ પ્રભાવી બનતું જોવા મળશે. વર્ષ 1972 પહેલા કેશોદ વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી.
કેશોદ વિધાનસભાની બેઠક ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે મહત્વનીગણવામાં આવે છે. રાજકીય અને જ્ઞાતિ જાતિની દ્રષ્ટિએ જૂનાગઢ જિલ્લાની સૌથી મહત્વની બેઠક કેશોદ વિધાનસભાને માનવામાં આવે છે. ધારાસભામાં જૂનાગઢની સાથે અને લોકસભામાં પોરબંદર સાથે જોડાયેલી કેશોદ વિધાનસભાની બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે જીતવી ખૂબ મહત્વની માનવામાં આવે છે. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં 5 વિધાનસભા બેઠકો પૈકી એક માત્ર કેશોદ બેઠક પરથી ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમ ચૂંટણી જીતીને ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા હતા. આ માટે પણ આ બેઠક રાજકીય દ્રષ્ટિએ ખૂબ મહત્વની માનવામાં આવે છે.
હાર-જીતના સમીકરણ
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
દેવાભાઈ માલામ
બીજેપી
2012
અરવિંદભાઈ લાડાણી
બીજેપી
2007
મકવાણી વંદનાબેન
બીજેપી
2002
બોરિચા માધાભાઈ
બીજેપી
1998
રાઠોડ સામતભાઈ
બીજેપી
1995
સોનદરવા બચુભાઈ
બીજેપી
1990
ધુલા હમિરભાઈ
જેડી
1985
ધાવડા પરબત ભોજા
આઈએનસી
1980
વાનવી દેવજીભાઈ
આઈએનસી
1975
વાનવી દેવજીભાઈ
આઈએનસી
1972
લાદાણી ઠાકરશી
આઈએનસી
1967
ડી ડી પટેલ
એસડબલ્યુએ
1962
લાદાણી ઠાકશી
આઈએનસી
કેશોદ વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. વર્ષ 1972 બાદ અહીંથી એકમાત્ર પરબત ચાવડાને બાદ કરતા કોંગ્રેસનો સ્વતંત્ર ઉમેદવાર ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યો છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર જયેશ લાડાણીની સામે ભાજપના કોળી ઉમેદવાર દેવાભાઈ માલમ વચ્ચે ચૂંટણી જંગ થયો હતો. જેમાં કોળી મતદારોના પ્રભુત્વની વચ્ચે કોળી જ્ઞાતિના ઉમેદવાર દેવાભાઈ માલમ ધારાસભામાં પહોંચવામાં સફળ રહ્યા હતા. શંકરસિંહ વાઘેલાના સમયમાં થયેલા સત્તાપલટામાં અહીંથી ધારાસભ્ય બનેલા બચુભાઈ સોંદરવા રાજ્ય સરકારમાં પ્રધાન બનવામાં સફળ રહ્યા હતા. અહીંથી જ ધારાસભ્ય રહેલા માધાભાઇ બોરીચા અનુસૂચિત જાતિ નિગમના ચેરમેન પણ બન્યા હતા. વર્તમાન ધારાસભ્ય દેવાભાઈ માલમ રાજ્ય સરકારમાં રાજ્ય પ્રધાન તરીકે કામ કરી રહ્યા છે.
કેશોદ વિધાનસભા બેઠક કેશોદ શહેરને બાદ કરતા ગામડાઓના મતદારોથી બનેલી છે. અહીંના મતદારોની આવક અને રોજગારી મોટેભાગે ખેતી સાથે સંકળાયેલી છે. જેને લઈને ખેતીને લગતી કોઈ નક્કર યોજનાઓ અને ખેડૂતોને કૃષિ પેદાશોના પોષણક્ષમ બજાર ભાવો મળે તેવી માંગ આ વિસ્તારના મતદારો કરી રહ્યા છે. વધુમાં ખેતી વિષયક કોઈ ઉદ્યોગો આવે તો આ વિસ્તારને વધુ ફાયદો થાય તેમ છે. વધુમાં સ્થાનિક રોજગારીનું સર્જન થાય તેવા ગૃહઉદ્યોગ સ્થાપવામાં આવે તો રોજગારીની તકોમાં વધારો કરી શકાય છે.
2022 વિધાનસભાનુ ચિત્ર
આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. વર્ષ 2017ની સરખામણીએ આ વખતની કેશોદ વિધાનસભાની ચૂંટણી મતોના વિભાજનને કારણે પરિણામો પર વિપરીત અસર ઊભી કરી શકે છે. ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીઓ પોતાના ઉમેદવારને પસંદ કરવાને લઈને જ્ઞાતિ અને જાતિનું સમીકરણ ચોક્કસ ધ્યાન પર લેશે. આવા સમયે કોળી જ્ઞાતિના કોઈ 2 ઉમેદવારો વચ્ચે ત્રીજા પક્ષનો અન્ય જ્ઞાતિનો ઉમેદવાર ચૂંટણી જંગ જીતવામાં સફળ બનશે તેવું ગણિત અત્યારથી જ મંડાઈ રહ્યું છે.