Home /News /junagadh /ભવનાથમાં પ્રવેશબંધી; મર્યાદિત લોકોને પ્રવેશ આપી જુઓ કેવી રીતે થાય છે ગણેશ વિસર્જન?

ભવનાથમાં પ્રવેશબંધી; મર્યાદિત લોકોને પ્રવેશ આપી જુઓ કેવી રીતે થાય છે ગણેશ વિસર્જન?

X
Ganesh

Ganesh Visarjan

ભવનાથ ખાતે પ્રવેશબંધી હોવાના કારણે ગણેશ વિસર્જન માટે મર્યાદિત લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, ત્યારે જુઓ વિડીયો કે કેવી રીતે થશે

જૂનાગઢ શહેરમાં તથા ગિરનાર ક્ષેત્રમાં પડી રહેલા ધોધમાર વરસાદથી જળાશયોમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થઈ રહી છે, દામોદર કુંડ, નારાયણ ધરો બે કાંઠે વહી રહ્યાં છે, ત્યારે કોઈ જાનહાની ન થાય તે માટે જૂનાગઢ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ઉલ્લેખ થયાં મુજબ ગત તા.13મી સપ્ટેમ્બર થી આગામી તા.16મી સપ્ટેમ્બર સુધી ભવનાથ વિસ્તાર તેમજ વિલીંગ્ડન ડેમ વિસ્તાર પર જવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

જે ઉપરાંત હાલમાં ગણેશ મહોત્સવ પણ ઉજવાય રહ્યો છે, જેમાં કેટલાય લોકો ગણેશજીના વિસર્જન માટે ભવનાથ ખાતે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ વિસર્જન કુંડ ખાતે વિસર્જન કરવા માટે આવી રહ્યાં છે, પરંતુ સોનાપુર સ્મશાન ચોક ખાતેથી જ પ્રવેશબંધી કરી દેવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો અમલ થઈ રહ્યો છે.

જેને પગલે ભવનાથ કૃત્રિમ વિસર્જન કુંડમાં વિસર્જન કરવા માટે આવતાં ભાવિકોને મર્યાદિત સંખ્યામાં સોનાપુર સ્મશાન ચોક ખાતેથી પ્રવેશવા દેવામાં આવે છે. મળતી માહિતી મુજબ; વિસર્જન માટે માત્ર ચાર લોકોને જ પ્રવેશ અપાય રહ્યો છે, ત્યારે ગણેશ વિસર્જન કરવા આવતા જૂનાગઢવાસીઓ પણ જાહેરનામાનો અમલ કરીને ગણેશ વિસર્જન કરતાં નજરે પડી રહ્યાં છે.

અત્રે એ પણ મહત્વનું છે કે; જૂનાગઢ શહેર તથા આજુબાજુના વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવેલ પીઓપીની પ્રતિમાના વિસર્જન માટે મનપા દ્વારા ભવનાથ ઇન્દ્રભારતી આશ્રમ પ્રવેશદ્વાર પાસે આ કૃત્રિમ કુંડનું નિર્માણ થયું છે. ગત તા.11મી સપ્ટેમ્બરના રોજ સંતો-મહંતો, મહાનુભાવો અને શહેરીજનોની હાજરીમાં આ કુંડનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. આ કુંડમાં દામોદર કુંડ, મૃગીકુંડ અને નારાયણ ધરાનું જલ પધરાવવામાં આવ્યું છે, જેથી ભાવિકોને ત્રિવેણી સંગમમાં વિસર્જન કર્યાનો લાભ મળી રહ્યો છે. કુદરતી જળાશયોમાં વિસર્જન ન કરતાં આ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરીને ભાવિકો પ્રકૃતિને પીઓપીથી થતું નુકસાન અટકાવી, પ્રકૃતિના આશીર્વાદ મેળવી રહ્યાં છે.
First published:

Tags: Bhavnath, Collector, Ganesh Visarjan, Girnar, JMC, Junagadh police, પ્રતિબંધિત