Home /News /junagadh /Exclusive Interview: ગિરનારની પરિક્રમા દરમિયાન નિઃશુલ્ક અન્નક્ષેત્ર સાથે ઇમર્જન્સીમાં એમ્બ્યુલન્સની પણ સુવિધા, જાણો તમામ માહિતી
Exclusive Interview: ગિરનારની પરિક્રમા દરમિયાન નિઃશુલ્ક અન્નક્ષેત્ર સાથે ઇમર્જન્સીમાં એમ્બ્યુલન્સની પણ સુવિધા, જાણો તમામ માહિતી
ગિરનારની પરિક્રમા - ફાઇલ તસવીર
Exclusive Interview on Girnar Lili Prikrama: ગિરનારની પરિક્રમા કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી થતી હોય છે. ત્યારે હવે ગણતરીના દિવસો બાકી હોવાથી તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. જાણો તમામ માહિતી...
અમદાવાદઃ જૂનાગઢમાં દરવર્ષે યોજાતી ‘ગિરનારની લીલી પરિક્રમા’ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પરીપૂર્ણ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળના બે વર્ષ બાદ પૂરેપૂરી છૂટછાટ સાથે ગિરનારની પરિક્રમાનું આયોજન થવાનું છે. ત્યારે લાખો લોકો આ પરિક્રમામાં આવે તેવી અણસાર છે. તેને લઈને વનવિભાગ વિભાગ સહિત જૂનાગઢ જિલ્લા વહીવટ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે.
આ વર્ષે પરિક્રમામાં કરવામાં આવેલી વ્યવસ્થા વિશે News18 Gujaratiએ ઉતારા મંડળના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશ વેકરિયા સાથે વાતચીત કરી હતી. તેમણે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘આ વર્ષે 4થી નવેમ્બરે સાંજથી પરિક્રમા શરૂ કરવામાં આવશે અને 8મી નવેમ્બરે પૂર્ણાહુતિ કરવામાં આવશે. તમામ અન્નક્ષેત્ર 2 તારીખે જૂનાગઢ આવી જશે. આ વર્ષે 80 જેટલા અન્નક્ષેત્ર આવવાના છે. જે પરિક્રમાર્થીઓને નિઃશુલ્ક જમવાની વ્યવસ્થા પૂરી પાડશે. આ ઉપરાંત 200 જેટલા કોમર્શિયલ પણ આવવાના છે.
ભાવેશ વેકરિયા સાથે News18 Gujaratiની ખાસ વાતચીત
જિલ્લા પ્રશાસન સહિત વનવિભાગે કેવી વ્યવસ્થા કરી છે?
ભાવેશભાઈઃ ગિરનારની પરિક્રમાની વ્યવસ્થા અંગે જિલ્લા કલેક્ટર સહિત સાધુ-સંતો સાથે મિટિંગ કરવામાં આવી હતી. તેમાં વ્યવસ્થાના ભાગરૂપે વિવિધ માગણીઓ કરવામાં આવી હતી. આ સાથે જ વનવિભાગ સાથે બેઠક કરીને કલેક્ટરે અમારી માગણીઓને લઈને તેમને આદેશ અને સૂચનાઓ આપી દીધી હતી. વનવિભાગને ખાસ કરીને રોડ-રસ્તા સરખા કરવા, માર્કિંગ કરવા માટે જણાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ વાહન-વ્યવહાર નિગમને વાજબી દરે બસો દોડવવા અને રેલવે વિભાગને ટ્રેનમાં સ્પેશિયલ કોચ જોડવા માટેની અરજી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહાનગરપાલિકાને પણ શહેરમાં બોર્ડ મૂકવા માટે જણાવી દેવામાં આવ્યું છે જેથી બહારથી આવતા પરિક્રમાર્થીઓ તેમના ગંતવ્ય સ્થાને સરળતાથી પહોંચી શકે.
ભાવેશભાઈઃ આમ જોવા જઈએ તો ગિરનારની પરિક્રમામાં ગોવિંદાચાર્ય અને ખોડિયાર રાસમંડળ સૌથી જૂનાં અન્નક્ષેત્ર છે. તેઓ છેલ્લા 60 વર્ષથી પરિક્રમાર્થીઓને નિઃશુલ્ક જમાડી રહ્યા છે. પહેલાંના સમયમાં લોકો જમવાનું અંદર જ બનાવતા હતા અને જમતા હતા. પરંતુ સમય જતા વ્યવસ્થાના ભાગરૂપે 5-25 માણસોથી શરૂ થયેલા આ અન્નક્ષેત્ર દરવર્ષે લાખો લોકોને નિઃશુલ્ક જમાડે છે.
ભાવેશ વેકરિયા સાથે News18 Gujaratiની ખાસ વાતચીત
આ સિવાય કઈ-કઈ વ્યવસ્થા કરવામાં આવી છે?
ભાવેશભાઈઃ આમ તો જંગલમાં વનવિભાગ સહિત પોલીસ ફોર્સના જવાનો પણ ખડેપગે સુરક્ષા માટે તહેનાત હોય જ છે. તે સિવાય પરિક્રમા કરતા કોઈપણ વ્યક્તિને મેડિકલ ઇમર્જન્સીની જરૂર પડે તો જંગલમાં એમ્બ્યુલન્સની અને પ્રાથમિક સારવાર મળી રહે તેવી સુવિધા પણ કરવામાં આવી છે.
બે વર્ષ પછી પરિક્રમા થાય છે તો તમારા મત મુજબ કેવી તકલીફોનો સામનો કરવો પડી શકે?
ભાવેશભાઈઃ કોરોનાકાળના બે વર્ષ પરિક્રમા થઈ નહોતી. ગયા વર્ષે થઈ હતી પણ જંગલમાં કોઈને રાત રોકાવવા માટેની પરમિશન આપવામાં આવી નહોતી. તેવામાં બંને વર્ષ જોવા જઈએ તો વરસાદ ખૂબ સારો થયો છે. જંગલમાં પરિક્રમાના રૂટ પર ઢોળાવવાળા રસ્તા આવતા હોય છે. ત્યારે વધુ વરસાદને કારણે આ રસ્તાઓ ધોવાઈ ગયા હોય તે સ્વાભાવિક છે. ત્યારે રસ્તાના ધોવાણને કારણે કેટલીક જગ્યાએ ખાડા પડી ગયા હશે તો કેટલીક જગ્યાએ જમીન પોચી થઈ ગઈ હોવાથી ખાઈ પડી જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે. તો જે કોઈ પરિક્રમાર્થીઓ પરિક્રમા કરવા જાય તેમણે ખૂબ સાવધાનીપૂર્વક પરિક્રમા કરવી જોઈએ.
આ ઉપરાંત ઉતારા મંડળના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશ વેકરિયાએ ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાંથી આવતા પરિક્રમાર્થીઓને ગિરનારની લીલી પરિક્રમા માટે આમંત્રણ પણ પાઠવ્યું છે. તેઓ કહે છે કે, ‘પરિક્રમા આધ્યાત્મિકતા અને પ્રકૃતિને એકસાથે માણવાનો રસ્તો છે. ત્યારે લોકોએ આ પરિક્રમામાં ભાગ લેવો જોઈએ.’