દીકરી એટલે વ્હાલનો દરિયો. જે નારીત્વ થકી જ આ સમાજ ઉજળો છે, તેનું ઋણ કોઈ પ્રકારે ચૂકવી ન શકાય! પરંતુ તેના માટે પહેલ અવશ્યથી કરી શકાય. જૂનાગઢની (Junagadh) જ આ વાત છે, જ્યાંની એક રેસ્ટોરન્ટ (Restaurant) ગીર નેસડોના (gir Nesdo) માલિક પ્રફુલભાઈ દ્વારા એક નોંધનીય અને સરાહનીય કાર્યની શરૂઆત થઈ છે. પરિવાર સાથે આવતી 12 વર્ષ કે તેથી નાની વયની (Girl child) દીકરી જ્યારે રેસ્ટોરન્ટમાં જમવા માટે આવે છે, ત્યારે પ્રફુલભાઈ તેને જગદંબા સ્વરૂપ ગણીને તેના ચરણ (Touches Feet) સ્પર્શ કરે છે. એટલું જ નહીં, તેને મનભાવતું ભોજન તદ્દન નિઃશુલ્ક (Free food) જમાડે છે.
આ વિશે વધુ વાત કરતા રેસ્ટોરન્ટના માલિક પ્રફુલભાઈએ જણાવ્યું કે, કોઈપણ દીકરી એ સાક્ષાત શક્તિનું સ્વરૂપ છે. તેનું ઋણ ચૂકવવા માટે આ ભવ તો શું, અનેક ભવ જન્મ લઈએ તો પણ ચૂકવી ન શકાય! ત્યારે અનેક દીકરીઓના પાલક પિતા તરીકે જાણીતું નામ એટલે મહેશભાઈ સવાણી પાસેથી પ્રેરણા લઈને મેં આ નિયમ લીધો છે કે, મારી રેસ્ટોરન્ટ પર જે કોઈ 12 વર્ષથી નાની દીકરી પોતાના પરિવાર સાથે અહીં જમવા આવશે ત્યારે તેના ચરણસ્પર્શ કરીશ અને તેને તદ્દન ફ્રીમાં ભોજન જમાડીશ.
વધુમાં પ્રફુલભાઈએ જણાવ્યું કે, આપણે દીકરો-દીકરી એક સમાન ગણવા જોઈએ. દીકરીને પણ દીકરાની જેમ ઉચ્ચ શિક્ષણ આપી પગભર બનાવવા પ્રયત્નશીલ થવું જોઈએ. જો દીકરી ભણેલી ગણેલી હશે તો, તેના થકી સમાજને એક નવો રાહ મળશે. તેના થકી તેના પરિવારનું ગૌરવ તો વધશે જ, પણ કોઈપણ વિકટ પરિસ્થિતિમાં તે પુરુષ સમોવડી બની પરિવારને બધી રીતે ટેકો પૂરો પાડી શકશે.
પ્રફુલભાઈ ના આ ઉમદા વિચાર અને તેના દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલની નોંધ, તેઓના પ્રણેતા સ્વયં મહેશભાઈ સવાણી દ્વારા પણ લેવામાં આવી છે. તદ્દઉપરાંત પ્રફુલભાઈ દ્વારા થયેલી આ પહેલની સુવાસ ચારે તરફ ફેલાઈ રહી છે, સોશિયલ મીડિયામાં પર અનેક લોકો આ પહેલની પ્રસંશા કરી રહ્યાં છે.
જૂનાગઢ ઝાંઝરડા ચોકડી નજીક આવેલ ગીર નેસડો રેસ્ટોરન્ટની શરૂઆત ગત વર્ષે એટલે કે જાન્યુઆરી-2020 માં થઈ હતી. જૂનાગઢવાસીઓ તેમજ અહીં આવતા પ્રવાસીઓને શુદ્ધ કાઠિયાવાડી ભોજન એ પણ ગામડાની દેશી બેઠક સાથે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં સંપૂર્ણ રસોઈ દેશી ઢબથી અને ચૂલા ઉપર કરવામાં આવે છે.