જૂનાગઢમાં આવેલા વિશ્વ વિખ્યાત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં (Sakkarbaug Zoo) વધુ પાંચ સિંહબાળનો જન્મ થતાં ખુશીઓ બમણી થઈ છે. ગયા વર્ષે 3 સિંહબાળને જન્મ આપનાર ડી-22 નામની સિંહમાતાએ આ વર્ષે વધુ પાંચ સિંહબાળને (Lion Cub) જન્મ આપ્યો છે. જેથી કરીને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લાં અગિયાર મહિનામાં જન્મ લેનાર સિંહબાળની કુલ સંખ્યા 29 જેટલી થઈ ગઈ છે.
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેતી ડી-22 નામની સિંહણ અને આંકોલવાડી નામના સિંહના મેટીંગથી ગત મંગળવારે વહેલી સવારે 5 સિંહબાળનો જન્મ થયો છે. હાલમાં ડી-22 સિંહણ અને સિંહબાળ ઉપર સીસીટીવી કેમેરા દ્વારા ચોવીસ કલાક નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે, સાથોસાથ સિંહણના ખોરાક ઉપર પણ પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
અત્રે એ પણ મહત્વનું છે કે, 5 સિંહબાળને જન્મ આપનાર ડી-22 નામની સિંહમાતાનો જન્મ પણ સક્કરબાગ ઝૂ માં જ થયો હતો, જે ડી-22 નામની સિંહમાતાએ ગયા વર્ષે પણ 3 સિંહબાળને જન્મ આપ્યો હતો, આમ ડી-22 નામની સિંહ કુલ 8 સિંહબાળની માતા બની છે.
વધુ માહિતી આપતા સક્કરબાગના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે, સક્કરબાગમાં અન્ય સિંહણો પણ ગર્ભવતી છે, ત્યારે આગામી ડિસેમ્બર મહિનામાં પણ સિંહબાળની સંખ્યામાં વધારો થઈ શકે છે. છેલ્લાં 8 દિવસમાં કુલ 10 સિંહબાળ અને છેલ્લા 11 મહિનામાં સક્કરબાગમાં કુલ 29 જેટલા સિંહબાળનો જન્મ થયો છે, જે સમગ્ર વનતંત્ર અને વન્યજીવ પ્રેમીઓ માટે ખુશીની અને ગૌરવપ્રદ બાબત છે.
અહીં એ વાત પણ નોંધવા જેવી છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતા એનીમલ એક્ષ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ એક વર્ષમાં કુલ 9 સિંહને સક્કરબાગ ઝૂ માંથી અન્ય જગ્યાએ મોકલવામાં આવ્યાં છે, બદલામાં ગુજરાતનાં વિવિધ પ્રાણી સંગ્રહાલયો માટે અન્ય પ્રાણીઓ લાવવામાં આવ્યા છે.