જૂનાગઢ શહેરમાં નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ વર્ષ 2020 થી લાગુ કરાયો છે, જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારો, મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. જેના થકી શહેર વિસ્તારમાં બનતાં ગુન્હાને, જૂનાગઢ પોલીસ સરળતાથી અને ઝડપથી ઉકેલી શકે છે, ત્યારે હવે નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટમાં દાણાપીઠ વિસ્તાર પણ ઉમેરાય ગયો છે, જેનાથી દાણાપીઠ વિસ્તારમાં જો કોઈ ગુન્હા બનશે તો, જૂનાગઢ પોલીસ સરળતાથી આ ગુન્હાનો ભેદ ઉકેલી શકશે.
જૂનાગઢ શહેરના દાણાપીઠ વિસ્તારમાં ખુબજ ભીડભાડ રહેતી હોય છે. મુખ્ય બજાર આ વિસ્તારમાં આવેલ હોવાથી, દિવસ દરમિયાન હજારો લોકોની અવરજવર આ વિસ્તારમાં થતી હોય છે. જેની સુરક્ષાને ધ્યાને રાખીને તથા દાણાપીઠ વિસ્તારમાં કોઈ ગુન્હાહિત પ્રવૃત્તિ ન બને તે માટે સઘન સુરક્ષા રાખવાના હેતુથી દાણાપીઠ વિસ્તારમાં વિવિધ જગ્યાએ કુલ 25 જેટલાં કેમેરા લગાવવામાં આવ્યાં છે.
દિવાળીના દિવસે તા.4થી નવેમ્બરના રોજ ગ્રેઇન મર્ચન્ટ એસો. દ્વારા દાણાપીઠ વિસ્તારમાં સહિયારા પ્રયાસ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. જેના શુભારંભ માટે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી સાહેબ, ડીવાયએસપી જાડેજા સાહેબ, પીએસઆઇ પ્રતીક મશરૂ સાહેબ સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
આ તકે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ થી છેલ્લાં વર્ષોમાં થયેલા 300 જેટલાં ગુન્હા ઉકેલવામાં જૂનાગઢ પોલીસને ખુબજ મદદ મળી છે. જ્યાં પોલીસના સીસીટીવી કેમરા પહોંચી નથી શકતાં, ત્યાં વેપારીઓ કે સ્થાનિક લોકો સીસીટીવી કેમેરા લગાવે તો તે પ્રજા અને પોલીસ બંને માટે લાભદાયક નીવડે છે.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ દાણાપીઠના વેપારીઓએ કરેલા સહિયારા પ્રયાસને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. સાથોસાથ જૂનાગઢની જનતાને અપીલ કરતાં કહ્યું કે, શેરી મહોલ્લામાં કે રહેણાંક વિસ્તારમાં સામુહિક રીતે પ્રજાજનો કેમેરા ઈન્સ્ટોલેશન કરાવે અને તેનું વાયફાય મારફતે જોડાણ, પોલીસ સુધી પણ પહોંચાડે. જેથી કરીને શહેરી વિસ્તારમાં થતી તમામ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર જૂનાગઢ પોલીસ બાજ નજર રાખી શકે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર