જૂનાગઢ: જૂનાગઢની જનતા છેલ્લાં લાંબા સમયથી રસ્તે રઝળતા અને રખડતાં બિનવારસુ ઢોરની (Cattel) હેરાનગતિથી ત્રાહિમામ પોકારી ગયા છે. રસ્તે રઝળતા ઢોર હવે જૂનાગઢવાસીઓ માટે જીવલેણ પણ સાબિત થઈ રહ્યાં છે, ત્યારે જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા જૂનાગઢની જનતાને રખડતા-ભટકતા પશુના ત્રાસમાંથી (Torture) મુક્તિ અપાવવા જૂનાગઢ મહાનગરપાલિકા (JMC) તંત્રને પાંચ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.
આ વાત કરતાં જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ પટેલે જણાવ્યું કે, જૂનાગઢ નગરની સ્થિતિ હાલમાં મોટા ગામડા જેવી છે. જૂનાગઢ મહાનગરમાં જે રીતે રસ્તે રખડતાં પશુઓથી નાગરિકોને પરેશાની થાય છે, તે અંગેની અનેક વખત રજૂઆતો જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓને તથા મુખ્યમંત્રી સુધી પણ કરવામાં આવી છે. તેમ છતાં આજ દિન સુધી જૂનાગઢ શહેરને રસ્તે રઝળતા પશુઓના ત્રાસથી મુક્તિ મળી નથી.
આ ઉપરાંત તેઓએ કહ્યું કે, અનેકવાર રજુઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય નિરાકરણ નથી થયું અને ઉપરથી ભાજપાના સત્તાધીશો દ્વારા મીઠીમીઠી વાતો કરવામાં આવે છે, પણ જે રીતે જૂનાગઢ શહેરમાં ગત દિવસોમાં રસ્તે રઝળતા પશુને કારણે અકસ્માતના જે બનાવ બન્યાં, તેના માટે જવાબદાર ભાજપાના સત્તાધીશો છે.
કોંગ્રેસ પ્રમુખે સ્પષ્ટ માંગણી કરતાં કહ્યું કે, આગામી પાંચ દિવસમાં જૂનાગઢ શહેરમાં રખડતાં તમામ પશુઓ માટે એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવે. જો આગામી પાંચ દિવસમાં કોઈ યોગ્ય પગલાં લઈને વ્યવસ્થા કરવામાં નહીં આવે તો, જૂનાગઢ શહેર કોંગ્રેસ ગાંધી ચીંધ્યાં માર્ગે જન આંદોલન કરશે.