સાવજોના વેકેશન દરમિયાન વનપાલો અને વનરક્ષકોને કઈ કઈ રીતે પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે અને હાલમાં જંગલના ખરાબ રસ્તાઓમાં તેઓની કામગીરી કેવી છે તે જાણવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો
Ashish Parmar, Junagadh:હાલમાં સાવજનું વેકેશન ચાલી રહ્યું છે સાસણ ચાર મહિના સુધી સદંતર બંધ રહે છે આગામી 15 ઓક્ટોબરે આ વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે હાલમાં ધોધમાર વરસાદ વરસ્યો છે આ ચોમાસાની ઋતુ દરમિયાન વનપાલો વનરક્ષકો અને સાવજોની નજીક ગણાતા એવા ટ્રેકરો સાવજોની કાળજી લેવા માટે કેટલી કેટલી મુશ્કેલીઓમાંથી પસાર થાય છે. તે માટે જાણવાનો એક વિનમ્ર પ્રયાસ News18દ્વારા કરવામાં આવ્યો. જંગલમાં રસ્તાઓને જોતા પરિસ્થિતિ માલુમ થઈ કે જ્યારે ચોમાસુ હોય છે ત્યારે આ રસ્તાઓ ખૂબ જ કાદવ કીચડથી ભરેલા તેમજ ચીકણી માટીને લીધે લપસણાં થઈ જતા હોય છે. ક્યારેક ચેકિંગ સમયે જતા આ રસ્તા ઉપર પસાર પણ થઈ શકાય નહીં તેવી પરિસ્થિતિઓ પણ સામે આવતી હોય છે.
ક્યારેક બાઈક રસ્તા પર જ અધવચ્ચે મૂકી દેવું પડે છે
ત્યાં હાજર એક ટ્રેકર ને પૂછવામાં આવતા તેણે પરિસ્થિતિનો ચિતાર આપતા કહ્યું હતું કે અહીં અમુક અમુક વખત ભારે વરસાદમાં ખૂબ કફોડી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. એક બાજુ ધોધમાર વરસાદ વરસતો હોય છે તો બીજી બાજુ ઇન્ફાઇટ દરમિયાન ઘાયલ થયેલ કોઈ વન્ય પ્રાણીને સારવાર માટે ડોક્ટરને સાથે લઈને પણ જવાનું હોય છે. પરંતુ પરિસ્થિતિ સાનુકૂળ નથી હોતી અને બાઈકને વચ્ચે જ મૂકી અને ક્યારેક છ થી સાત કિલોમીટર સુધી ચાલીને પણ જવું પડે છે.
નેટવર્ક નથી હોતું સેટેલાઈટ જ કામ કરે છે
વનપાલે જણાવ્યું હતું કે સ્વાભાવિક છે કે જંગલ વિસ્તારમાં મોબાઇલ નેટવર્ક કામ કરતું હોતું નથી. અમુક સમયે સેટેલાઈટ થી સંપર્ક કરવામાં પણ પ્રોબ્લેમ થતી હોય છે ત્યારે ઇનફાઈટ વખતે ઘાયલ થયેલા વન્ય પ્રાણીઓ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ ટીમ વર્કથી થતું કામ વધુને વધુ સારી રીતે કામ કરવા માટે પ્રેરણા આપતું રહે છે.
સિંહ કરતા દિપડાઓ ક્યારેક હુમલો કરવાની કોશિશ કરે છે
ઇનફાઈટ વખતે ઘાયલ થયેલ વન્ય પ્રાણીઓને સારવાર આપવા માટે અંદર જવું પડતું હોય છે. તથા વેકેશન ચાલી રહ્યું હોય તો જંગલની અંદર ખૂબ દૂર સુધી વન્ય પ્રાણીઓ જતા રહ્યા હોય છે. જેથી અમુક વખતે ટ્રેક કરવા પણ મુશ્કેલ થાય છે પરંતુ જંગલમાં ખૂબ અંદર ગયા બાદ અમુક વખતે દીપડાઓ પણ હિંસક બનતા હોય છે. પરંતુ આ વન્ય પ્રાણીઓ સાથે રોજનો નાતો થઈ ગયો હોય તેમ અમને તેનાથી ડર લાગતો નથી અને અમુક પ્રકારના સિગ્નલથી તેઓ અમારાથી દૂર જતા રહે છે અને હુમલો કરતા નથી.
આમ News18 દ્વારા જંગલમાં થતી કપરી અને કઠિન પરિસ્થિતિમાં વન પાલો દ્વારા કઈ રીતે બધી પરિસ્થિતિઓને પાર પાડવામાં આવે છે તથા તેમની સામે કામ લેવામાં આવે છે તે વિશે જાણવા માટે પ્રયાસ કર્યો અને તેમની કઠિન પરિસ્થિતિ સામે આવી પરંતુ તેમનો કામ કરવાનો જુસ્સો અને ટીમવર્ક ક્યાંક ને ક્યાંક સારું કામ કરવા માટે તેમને હંમેશા પ્રેરણા આપે છે.