નેત્રહીન લોકો માટે બ્રેઈલ લિપિની શોધ કરનાર લુઈસ બ્રેઈલનો જન્મ આજના દિવસે 1809માં ફ્રાન્સના કુપ્રેના એક નાના શહેરમાં થયો હતો.જૂનાગઢમાં 214મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
Ashish Parmar, Junagadh: નેત્રહીન લોકો માટે બ્રેઈલ લિપિની શોધ કરનાર લુઈસ બ્રેઈલનો જન્મ આજના દિવસે 1809માં ફ્રાન્સના કુપ્રેના એક નાના શહેરમાં થયો હતો. લુઈસ 4 ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. લુઈસ બ્રેઈલ કે જેઓ પોતે નેત્રહીન હોવા છતાં નેત્રહીન લોકોને વાંચવા અને લખવા સક્ષમ બનાવવા માટે એક નવી શોધ કરી, જેમને બ્રેઈલ લિપિ કહેવામાં આવે છે અને તેની મદદથી આજે મોટી સંખ્યામાં નેત્રહીન લોકો પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે.
લુઈસ બ્રેઈલ જન્મથી નેત્રહીન ન હતા
ફ્રાન્સના રહેવાસી લુઈસ બ્રેઈલ જન્મથી જ નેત્રહીન નહોતા, પરંતુ જ્યારે તેઓ ખૂબ નાના હતા, ત્યારે એક અકસ્માતમાં તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી. લુઈસ બ્રેઈલના પિતા, રેલે બ્રેઈલ, શાહી ઘોડાઓ માટે કાઠી બનાવાનું કામ કરતા હતા. 3 વર્ષની ઉંમરે એક દિવસ લુઈસ બ્રેઈલ તેના પિતાના ઓજારો સાથે રમી રહ્યા હતા ત્યારે અચાનક તેમાંથી એક ઓજાર તેમની આંખ પર અથડાયું હતું. શરૂઆતમાં સારવાર કરાવ્યા બાદ થોડી રાહત થઈ હતી, પરંતુ સમય વીતતા તેમની તકલીફ વધતી જ ગઈ.
તકલીફ એટલી વધી ગઈ કે જ્યારે તેઓ 8 વર્ષના થયા ત્યારે તેમણે પોતાની આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી અને નેત્રહીન બની ગયા. જ્યારે લુઈસ બ્રેઈલ તેમની દૃષ્ટિ ગુમાવ્યા પછી 16 વર્ષના થયા, ત્યારે એક દિવસ તેમણે વિચાર્યું કે શા માટે નેત્રહીન લોકોને વાંચવા માટે કોઈ બ્રેઈલ (લિપિ) પર કામ ન કરવામાં આવ્યું, અને પછી તેમણે આ વિચાર પર કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેઓ ફ્રેન્ચ આર્મીના કેપ્ટન ચાર્લ્સ બાર્બિયરને મળ્યા. બાર્બિયરે લુઈસ બ્રેઈલને ‘નાઈટ રાઈટિંગ’ અને ‘સોનોગ્રાફી’ વિશે જણાવ્યું,
જેની મદદથી સૈનિકો અંધારામાં અભ્યાસ કરી શકતા હતા. આ નાઈટ રાયટિંગમાં સ્ક્રિપ્ટ કાગળ પર ઉભરેલી હતી, જેમાં 12 બિંદુઓ હતા. તેમાં 12 બિંદુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે 6-6 ની 2 હરોળમાં મૂકવામાં આવ્યા હતા. જો કે, નાઈટ રાયટિંગ સ્ક્રિપ્ટમાં વિરામચિહ્નો, સંખ્યાઓ અને કોઈપણ ગાણિતિક ચિહ્નો નહોતા.
લુઈસે બ્રેઈલ લિપિમાં 64 અક્ષરો ઉમેર્યા
નાઇટ રાઇટિંગ લિપિ વિશે માહિતી મેળવ્યા પછી, લુઇસ બ્રેઇલે નેત્રહીન લોકો માટે ખાસ લિપિ બનાવવાની યોજના પર કામ કરવાનું શરૂ કર્યું. લુઈસે બ્રેઈલમાં 12ને બદલે માત્ર 6 બિંદુઓનો ઉપયોગ કરીને 64 અક્ષરો અને પ્રતીકો બનાવ્યાં. જો કે, બ્રેઇલમાં, તેમણે ગાણિતિક પ્રતીકો, વિરામચિહ્નો અને સંગીતના સંકેતો લખવા માટે જરૂરી પ્રતીકો પણ બનાવ્યા. આ રીતે, લુઈસ બ્રેલે 1825માં માત્ર 16 વર્ષની ઉંમરે નેત્રહીન લોકોને વાંચવા અને લખવામાં મદદ કરવા માટે બ્રેઈલ લિપિની શોધ કરી હતી.જોકે લુઈસ બ્રેઈલ લાંબું જીવી શક્યા ન હતા.
1851માં લુઈસને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબીનો ગંભીર રોગ થયો અને તેઓ સતત તેની ચપેટમાં આવતા રહ્યા. પછી 43 વર્ષની ઉંમરે, તેમના જન્મદિવસના 2 દિવસ પછી, 6 જાન્યુઆરી 1852 ના રોજ તેમનું અવસાન થયું. બ્રેઈલ લિપિના શોધક લુઈસ બ્રેઈલ આજે પણ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. 2009માં લુઈસ બ્રેઈલની 200મી જન્મજયંતિના અવસર પર ભારત સરકારે તેમના માનમાં એક ટપાલ ટિકિટ અને બે રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. તેમની બ્રેઈલ લિપિ નેત્રહીનજનો માટે ઘણી મદદરૂપ સાબિત થઈ છે. અને આજે પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
લુઇસ બ્રેઈલ ની 214 મી જન્મ જયંતીની ઉજવણી કરી
અંધજનોના ભગવાન લુઈસ બ્રેઈલ ની 214 મી જન્મ જયંતી નિમિત્તે અંધ કન્યા છાત્રાલય, સત્યમ સેવા યુવક મંડળ અને મારી પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આજે સત્યમ સેવા યુવક મંડળના સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, જયભાઈ વસવેલીયા, દામજીભાઈ પરમાર, અરવિંદભાઈ મારડિયા, બટુક બાપુ અને મુકેશગીરી મેઘનાથી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં બી.આર.સી. રાહુલભાઈ પાનસુરીયા, કેળવણી નિરીક્ષણ રિયાઝ ભાઈ મુન્સી, સી.આર.સી પૂનમબેન વાણવી, વાહબભાઈ કુરેશી, રિસોર્સ સેન્ટરના સ્પેશિયલ ટીચર ઈલાબેન તેમજ મારી શાળાના શિક્ષક કરંગીયા વીણાબેન એ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું પ્રસંગે મનસુખભાઈ વાજા એ જણાવ્યું હતું કે, અંધજનો ના ઈશ્વર અને ગીતાજી સમાન છ ટપકાની લિપિ શોધનાર એવા ફ્રાન્સમાં જન્મેલા લુઇસ બ્રેઇલને આજના પ્રસંગે યાદ કરી ભાવવિભોર કર્યા હતા. તેમજ અંધ કન્યા છાત્રાલયની દંતેશ્વરી શોભાએ બ્રેઇલ લિપી લખી તેમજ ચંદેરા કવિતાએ સ્પર્શ શક્તિ દ્વારા બ્રેઇલનું વાંચન કર્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર