Kishor chudasama, Jamnagar: માવઠાને લીધે જામનગરનું વાતાવરણ બે દિવસ ડામાડોળ રહ્યું હતું. ડિપ્રેશન અને લો પ્રેશરની અસર બાદ રાજ્યના 70 જેટલા સ્થળોએ માવઠાની મોકાણ સર્જાઈ હતી. ત્યારબાદ આજે જામનગરમાં ફરી પવનની ગતિમાં વધારો જોવા મળ્યો છે. તીવ્ર ગતિએ ફૂંકાયેલા પવનને લઈને લોકોએ હાડ થીજવતી ઠંડીનો અનુભવ કર્યો હતો.
સાથે સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો પરંતુ માવઠાની અસર ઘટતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગઈકલાની સરખામણીએ આજે ઠંડીનો પારો એક ડિગ્રી ઊંચકાયો હતો.
જામનગરમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રી પર સ્થિર થયું
જામનગરમાં તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ લઘુતમ તાપમાન 13 ડિગ્રી પર સ્થિર થયું હતું. તો મહત્તમ તાપમાનનો પારો 26.5 ડિગ્રી પર ઊંચકાયો હતો. જ્યારે વાતાવરમાં ભેજનું પ્રમાણ 97 ટકા નોંધાયું હતું અને પવનની ગતિ 4.5 ડિગ્રી નોંધાતા લોકોએ શીત લહેરનો અનુભવ કર્યો હતો. માવઠાને લઈને છેલ્લા દિવસથી શહેરમાં ઠંડીનું જોર વધ્યું હતું. જોકે તાપમાનનો પારો ગઈકાલની સરખામણીએ એક ડિગ્રી વધતા આંશિક રાહત જોવા મળી હતી.
એક સપ્તાહથી ઠંડીનો રીતસરનો કહેર
મહત્વનું છે કે જામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીએ રીતસરનો કહેર મચાવ્યો છે. ઉલ્લેખનિય છે કે ગઈકાલે સોમવારે 12.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 26.4 ડિગ્રીએ સ્થિર રહ્યું હતું.