Kishor chudasama, Jamnagar: પ્રેમના પર્વ વેલેન્ટાઇન ડે ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વેલેન્ટાઇન ડે(Valentine Day)ને લઇને પ્રેમની મોટી મોટી વાતો થશે, પ્રેમ કેવો હોઈ, પ્રેમી કેવા હોઈ, તેવી વાતો થશે, ઘણા લોકો પોતાના પ્રેમનો ઈઝહાર કરશે, સામાન્ય રીતે એકબીજાને જોઈને પ્રેમનો ઈઝહાર કરતા હોઈ છે, પરંતુ શું જોયા વગર પ્રેમ શક્ય છે ખરો ? જામનગરના હરેશભાઇ અને પૂજાબેનની પ્રેમ કહાની ખુબ જ અનોખી છે.
હરેશભાઇ હિંડોચા કમ્પ્યુટરનું કામ કરે છે
જામનગરમાં આવેલા વિકલાંગ સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ હરેશભાઇ હિંડોચા કમ્પ્યુટરનું કામ કરે છે, આ દરમિયાન હરેશભાઈએ પોતાના બેનના ઘરે પૂજાબેન નામની યુવતીનો અવાજ સાંભળ્યો અને હરેશભાઈના દિલના તાર તેમની સાથે જોડાઈ ગયાં અને તેઓ પૂજાબેનને પ્રેમ કરવા લાગ્યા, સામા પક્ષે પૂજાબેન પણ હરેશભાઈને દિલ દઈ બેઠાં, સાત વર્ષ સુધી એકબીજાને સારી રીતે ઓળખ્યા બાદ અને હળ્યા-મળ્યા બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું, જો કે બંનેની પ્રેમ કહાની કોઈ ફિલ્મને પણ ટક્કર મારે તેવી છે.
કારણ કે હરેશભાઇ પ્રજ્ઞાચક્ષુ અને પૂજાબેનમાં કોઈ પણ ખોડખાંપણ નહિ! છતાં પણ બંનેએ લગ્નગ્રંથીએ જોડાઈ જવાનુ નક્કી કર્યું હતું. ત્યારબાદ પૂજાબેને પોતાના પરિવારજનોને સમગ્ર વાત કહી, જોકે તેમના પરિવારજનો આ વાત સ્વીકારવા તૈયાર ન થયાં.
પરિવારજનો ન માનતા બંનેએ કોર્ટ મેરેજ કર્યા
પૂજાબેનના પરિવારજનોનું કહેવું હતું કે હરેશભાઇ પ્રજ્ઞાચક્ષુ છે, જયારે તેમની દીકરી પૂજામાં કોઈ કમી નથી, એટલુ જ નહીં, તેઓનું માનવું હતું કે પ્રજ્ઞાચક્ષુના સંતાનો પણ પ્રજ્ઞાચક્ષુ જ થશે, બીજી બાજુ એ સમયે હરેશભાઈની આવક પણ એટલી ન હતી કે પરિવારનું ગુજરાન ચલાવી શકે, આથી પૂજાબેનના પરિવારજનોએ આ સબંધ સ્વીકાર્યો નહીં, હરેશભાઇ અને પૂજાબેને પરિવારને મનાવવા અનેક પ્રયાસો કર્યા પરંતુ પરિવારજનો માન્યા નહીં. અંતે બંનેએ કોર્ટ લગ્ન કરવાનું નક્કી કર્યું.
આજે બન્નેને સંતાનોમાં એક પુત્ર છે
પરિવાર લગ્ન માટે રાજી ન થતા હરેશભાઈ અને પૂજાબેન ઘરેથી નીકળી ગયા અને થોડા સમય બાદ બન્નેએ કોર્ટ મેરેજ કરી લીધા. આજે તેમના લગ્નને ઘણો સમય થઇ ગયો અને તેમને ત્યાં સંતાનમાં એક પુત્ર પણ છે, જે એકદમ સ્વસ્થ છે. એટલું જ નહીં પૂજાબેનનું કહેવું છે કે તેઓ હરેશભાઈ સાથે આજે ખુબ જ ખુશ છે. હરેશભાઇ તેઓને ઘરના અનેક કામમાં મદદ કરે છે. આજે પૂજાબેન હરેશભાઈની આંખો બનીને કામ કરી રહ્યા છે. એટલું જ નહિ સમાજના અનેક મેંણાટોણા અને પડકારનો સામનો કરીને આજે તે ખુશીથી જીવન વિતાવી રહ્યા છે.