Kishor chudasama, jamnagar: રાજ્યમાં કમોસમી વરસાદ અંગે હવામાન વિભાગની આગાહીને પગલે અનેક શહેરોમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં પણ આજે કડાકા ભડાકા અને જોરદાર પવન સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. જેને લઈને ગામની શેરી ગલીઓમાં જાણે નદી, નાળા છલકાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આથી ઘઉં ચણા તલ સહિતના પાકમાં વ્યાપક નુકસાની થવા પામી હતી.
વરસાદ અને બરફના કરા વરસતા ચારે કોર પાણી...પાણી...
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર, હરીપર અને આજુબાજુના ગ્રામીણ પંથકમાં સાંજના સમયગાળા દરમિયાન વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. આ દરમિયાન તોફાની પવન સાથે વરસાદ અને બરફના કરા વરસતા ચારે કોર પાણી...પાણી... જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ફાગણ મહિનામાં અષાઢી માહોલ છવાયો હતો. ધોધમાર કમોસમી કહેર વરસતા ખેતરો પાણીમાં તરબોળ થયા હતા. બીજી બાજુ અમુક ખેતરોમાં ઘઉં, જીરુ સહિતના પાકો હતા તેનો પણ સત્યનાશ થયો હતો. આથી શિયાળુ પાકમાં વ્યાપક નુકસાની થયાનું સામે આવ્યું છે.
ખેડૂતો ચિંતાતુર બન્યા
કરા સાથે ત્રાટકેલા ધોધમાર વરસાદને પગલે ભણગોર ગામમાં શેરી ગલીઓ અને ગામની નદીમાં પૂર આવ્યા હતા.જેથી ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. ઉપરાંત ખેતરો પાણીમાં તરબોળ થતા પાક નુકસાની અને શાકભાજીના વાવેતરમાં ફૂગનો પ્રકોપ વધે તેવી સ્થિતિ જન્મી છે. જેને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.