કિંજલ કારસરીયા, જામનગર :જામનગર (Jamnagar News)માં પ્રેમ પ્રકરણ (Love Affair) ને લઈને એક જ કલાકની અંદર સાસુ જમાઈની બેવડી હત્યા (Murder case)નો કિસ્સો સામે આવ્યો છે. એક વર્ષ પહેલા યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવાનનું યુવતીના પરિવારના સભ્યોએ ઘાતકી હત્યા (Murder) નિપજાવી છે. તો બીજી તરફ યુવકના પરિવારજનોએ પણ સામેપક્ષે સાસુની હત્યા કરી દેતા સનસનાટી મચી ગઇ છે.
જામનગરના હાપા વિસ્તારમાં આવેલ યોગેશ્વર ધામમાં બેવડી હત્યાની ઘટના સામે આવી છે. ચારણ યુવકે ક્ષત્રિય પરિવારની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને ત્યારથી જ વેરઝેર ચાલી રહ્યા હતા. રવિવારે સવારે સોમરાજ નામનો યુવક જામનગર રાજકોટ હાઇવે ઉપર પસાર થઈ રહ્યો હતો. ત્યારે અતુલ ઓટોના શોરૂમ નજીક યુવકને યુવતીના પરિવારજનોએ ઘેરવા પ્રયાસ કર્યો હતો. પણ યુવક શોરૂમમાં ભાગી પહોંચે ત્યાં જ હથિયાર સાથે યુવતીના પરિવારજનોએ આવી શોરૂમમાં જ હુમલો કરી હત્યા નિપજાવી હતી.
સોમરાજ નામના યુવકની હત્યા નિપજાવી યુવતીના પરિવારજનો ભાગી છૂટયા હતા. આ અંગેની જાણ થતા જ સોમરાજના પરિવારજનો શોરૂમે પહોંચ્યા હતા અને ત્યાંથી યુવતીના ઘરે મૃતક યુવાન સોમરાજના પરિવારજનોએ પહોંચીને યુવતીની માતા અને યુવકના સાસુ આશાબા ઝાલા પર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી.
જામનગરમાં હાપા વિસ્તારમાં એક જ કલાકમાં હત્યાની બે વારદાતને લઈને તાત્કાલિક પંચકોશી એ ડિવિઝન અને પંચકોશી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારે આ સમગ્ર બેવડી હત્યાને પગલે શહેરભરમાં ભારે ચર્ચા મચતા એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી કૃણાલ દેસાઇ પણ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને ઘટના સ્થળે સીસીટીવી ફૂટેજ લઈને ડબલ મર્ડરના આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. જેમાંથી કેટલાક હત્યામાં સંડોવાયેલા લોકોને અટકમાં લઈને બનેના મૃતદેહોને પીએમ માટે મોકલી વિધિવત ગુન્હો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર