સંજય વાઘેલા, જામનગરઃ આજે ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે મકરસંક્રાતનો તહેવાર, નાના ભૂલકાઓથી લઇને મોટેરાઓ આજના દિવસે ધાબા પર જઇને પતંગ ચગાવશે. ઉત્તરાયણ પર પતંગ ચગાવવાની પરંપરા હોય છે. તો પતંગ ચગાવવાની સાથે સાથે ગુજરાતીઓ જલેબી-ફાફડા, મમરાના લાડુ, ચીકી અને સ્વાદિષ્ટ ઉંધિયાની વાનગી આરોગવાનું પણ પસંદ કરે છે. જામનગરમાં વહેલી સવારથી જ ઉંધિયાની દૂકાનો પર લોકોની ભીડ ઉમટી રહી છે. ઉત્તરાયણ પર ઉંધિયું ખાવું ખુબ જ પસંદ કરવામાં આવે છે.
જામનગરમાં વર્ષોથી ઊંધિયું બનાવતા જાણીતા શીખંડ સમ્રાટના માલિકે જણાવ્યું કે આ વર્ષે અમે 350 કિલો ઊંધિયું બનાવ્યું છે, સવારથી જ લોકો ઊંધિયું ખરીદવા આવી રહ્યા છે. આ વર્ષે શાકભાજીના ભાવ આશમાને હોવાથી ઊંધિયું તૈયાર કરવામાં મોંઘુ પડ્યું છે, બીજી બાજુ કોરોનાને કારણે આ વર્ષે મંદીનો મહોલ પણ છે. ઉલ્લેખનીય છે કે ઉંધિયામાં તમામ પ્રકારની શાકભાજી હોય છે. આ વર્ષે માવઠાને કારણે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે, જેની અસર ઉંધિયા પર પણ વર્તાઇ છે. આ વર્ષે ઉંધિયાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જો કે લોકો ઉંધિયાની ખરીદી કરી રહ્યાં હોવાથી વેપારીવર્ગ પણ ખુશ છે.