Kishor chudasama, jamnagar: પીઝા, બર્ગર સહિતની ફાસ્ટ ફૂડની દુનિયામાં આજે પણ પાણીપુરીની લોકપ્રિયતા અકબંધ રહેવા પામી છે. પાણીપુરીનું નામ લેતાની સાથે દરેક લોકોના મોઢામાં પાણી આવી જતા હોય છે. ભાગ્યે જ અમુક એવા માણસો હશે જેઓને પાણીપુરી પસંદ ન હોય! ત્યારે જામનગરના આયુર્વેદ સંસ્થાના વિદ્યાર્થીનીઓએ આયુર્વેદ પાણીપુરી બનાવી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી હોય છે. જામનગરના આયુર્વેદ સંસ્થામાં ફાર્મસીમાં અભ્યાસ કરતા વાઘેલા ત્રિષાએ આયુર્વેદ જલ પુરિકા બનાવી હતી. જે એક્સપોમાં સૌથી લોકપ્રિય રહી હતી.
અનેક લોકોએ સ્વાદની મોજ માણી
જામનગરમાં આયુર્વેદિક સંસ્થાન દ્વારા ત્રણ દિવસીય હેલ્થ એન્ડ મીલેટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા મિલેટ્સથી ભરપૂર એકથીએક ચડીયાતી વાનગીઓ પીરસવામાં આવી હતી. આ દરમિયાન વાઘેલા ત્રિશાએ આયુર્વેદીક જલપુરીકા બનાવી હતી.
જેની ખાસિયત એ હતી કે પુરીમાં રવાનો ઉપયોગ કરી અને સાથે મસાલા જુવાર, ચણા અને મગ સાથે આયુર્વેદિક વસ્તુઓ રાખી હતી. જેથી લોકોએ આયુર્વેદિક પાણીપુરીનો મોજથી સ્વાદ માણ્યો હતો.
પાણીપુરીની મહત્વની ખાસિયતએ છે કે...
આ ઉપરાંત નવરત્ન રસ, અમૃત રસ અને હજમાહજમ રસ એમ ત્રણ પ્રકારના પાણી તૈયાર કર્યા છે. જેની પાણીની ખાસિયત એ છે કે નવરત્ન રસમાં ફુદીનો, આમલી સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો અમૃત રસમાં ખજૂર, ગોળ સહિતને સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓનો સમાવેશ કરાયો છે. એ જ રીતે હજમાહજમ રસમાં સૂંઢ, આદુ સહિતની વસ્તુઓનો વાપરી છે. કોઈપણ પ્રકારના મિલાવટ વગર તૈયાર થયેલી આ વસ્તુને લોકોએ મોજથી માણી હતી.