Kishor chudasama jamnagarશિવરાત્રી પર્વને લઈને શિવ ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. જેમાં પણ છોટી કાશી ગણાતા જામનગરવાસીઓ શિવરાત્રીની ઉજવણીને લઇ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.જામનગરમાં અનેક શિવાલયો આવેલા હોવાથી છોટીકાશી તરીકેનું શહેરને બિરુદ મળ્યું છે. તેમાં પણ ખાસ જામનગરમાં અઢીસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર હજારેશ્વર મહાદેવ મંદિર અન્ય મંદિરોથી અલગ કરી આવે છે.
જે ગુજરાત ઉપરાંત ભારત ભરમાં પણ અનોખું ગણી શકાય છે. આ મંદિરના પટાંગણમાં 1000 જેટલી શિવલિંગો આવેલ હોવાથી તે હજારેશ્વર તરીકે ખ્યાતિ પ્રાપ્ત થયું છે.
ચિતાનંદસ્વામીએ આ શિવ મંદિરની સ્થાપના કરી હતી
જામનગર શહેરના હવાઈ ચોક વિસ્તારમાં આવેલું હજારેશ્વર મહાદેવ મંદિર લાખો ભક્તોની આસ્થાનું અખૂટ સમુદ્ર બન્યું છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં શિવ ભક્તો ભગવાનને શીશ નમાવા આવતા હોય છે જેમાં પણ ખાસ મહાશિવરાત્રીના દિવસે ભક્તોની લાંબી કતારો જોવા મળે છે. આ અનોખા શિવલિંગના ઇતિહાસની વાત કરવામાં આવે તો ચિતાનંદસ્વામીએ આ શિવ મંદિરની સ્થાપના કરી હતી. 12 વર્ષ કઠોર તપસ્યા કરી હતી. તેમણે એક પગે ભગવાન શિવની તપસ્યા કરી બાદ ભગવાનની પૂજા અર્ચના અને સ્થાપના કરી હતી.
અન્નપૂર્ણા માતાજી, અંબા માતાજી સહિતના માતાજી પણ બિરાજમાન
હાલ આ મંદિરમાં વિશાળ ભૂતનાથ મહાદેવના શિવલિંગ ઊંચકીને ઉભેલા ચિતાનંદસ્વામીની પણ મૂર્તિ આવેલી છે. જે શિવલિંગને જામનગરનું સૌથી મોટું શિવલિંગ માનવામાં આવે છે.આ મંદિરમાં એક હજાર શિવલિંગ ઉપરાંત અન્નપૂર્ણા માતાજી, અંબા માતાજી સહિતના માતાજી પણ બિરાજમાન છે.