Kishor chudasama, Jamnagar: આજે 19 વર્ષની વયનો યુવાન સામાન્ય રીતે અભ્યાસ કરતો હોઈ છે, અથવાથી નોકરી મેળવવાં માટે મથામણ કરતો હોઈ છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હાલારનો એક જવાન માત્ર 19 વર્ષની વયે મા ભારતીની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. અમે વાત કરી રહ્યા છીએ વીર શહિદ રમેશ જોગલની, જેઓ કારગિલ લડાઈમાં શહીદ થયા હતા. શહીદ વીર રમેશકુમાર જોગલ વાત હાલારના દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના મેવાસા ગામના રહેવાસી હતા.
વાત છે આજથી 23 વર્ષ પહેલાની જયારે દુશ્મનોએ કારગિલના પહાડો પર 17000 ફૂટની ઊંચાઈએ હુમલો કર્યો હતો, જો કે ભારતમાતાના વીર સપૂતો સરહદની રક્ષા માટે દરેક પરિસ્થિતિમાં દુશ્મનના દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપવા તૈયાર હતા.
જીવ સટોસટના આ યુદ્ધમાં દુસ્મનોની હાર થઇ, જો કે આ યુદ્ધમાં માં ભરતીના 500થી વધું સપૂતો શહીદ થયાં હતા, જેમાં ગુજરાતના 12 જવાનો પણ હતા. આ 12 જવાનોમાં સૌથી નાની વય એટલે કે 19 વર્ષની ઉંમરે રમેશકુમાર જોગલનો પણ સમાવેશ થાય છે.
રાજીખુશીનો પત્ર અને શહીદીના સમાચાર એક સાથે પરિવારને મળ્યા
શહીદ રમેશભાઈને મોટાભાઈએ ન્યુઝ18 લોકલ સાથે વાત કરતા જણાવ્યું કે ''એ સમયે પત્રો ખુબ જ મોડા મળતા, મને બરાબર યાદ છે, એ દિવસે ટપાલી અમને એક પત્ર આપી ગયાં, એ પત્ર રમેશભાઈનો હતો, જેમાં લખ્યું હતું કે મારી ચિંતા ન કરતા, અહીં બધું બરાબર છે. જો કે ગમે તે સમયે કઈ પણ થઇ શકે છે., આ પત્ર વાંચીને અમે અમારું કામ કરવા લાગ્યા, પરંતુ થોડી જ ક્ષણોમાં મામલતદાર સાહેબ અમારા ઘરે આવ્યા અને અમને પૂછ્યું તમને સમાચાર મળ્યા, થોડીવાર અમે વિચારતા થઇ ગયાં, પરંતુ વાત આખા ગામમા ફેલાઈ ગઈ અને બધા લોકો અમારા ઘરે ભેગા થવા લાગ્યા. ત્રણ દિવસ પછી શહીદ રમેશભાઈનો મૃતદેહ વતન આવ્યો, તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ શહીદની અંતિમવિધિમાં હાજર રહ્યા હતા.
માતાને લખેલા આ પત્રો વાંચીને તમેં પણ આંશુ નહીં રોકી શકો
એ સમયે સરહદ પરથી પરિવાર સાથે સંપર્ક કરવાની એક માત્ર સુવિધા ટપાલ હતી. 19 વર્ષની ઉંમરે શહીદ થયેલા રમેશભાઈએ પણ પરિવારને અનેક પત્રો લખ્યા હતા, આ પત્રો પરિવારે સંભારણા તરીકે સાચવીને રાખ્યા છે. એક પત્રમાં શહીદ રમેશભાઈએ લખ્યું હતું કે બા, મને તાલીમ દરમ્યાન પ્રથમ નંબર મેળવવાં બદલ 100 રૂપિયાનું ઇનામ મળ્યું છે, અને ઊંચ્ચ અધિકારીના હસ્તે મેડલ આપવામાં આવ્યું છે. અમારે અહીં આ મોટી વાત કહેવાય છે\"
શહીદ રમેશભાઈને બાળપણથી જ સૈન્ય પ્રત્યે લગાવ હતો
શહીદ રમેશભાઈ બાળપણથી જ ખુબ જ હોશિયાર વિદ્યાર્થી હોવાનું પ્રાથમિક શાળાના શિક્ષકોનું કહેવુ છે. ત્યારબાદ 1990ના એપ્રિલ મહિનામાં રમેશ જોગલ સૈન્યમાં જોડાયા હતા. આર્ટીલરી તાલીમ મથક નાસિક ખાતે તેને આર્ટીલરી ટ્રેડ મળ્યો હતો. તાલીમકાળમાં જ તેઓએ પોતાનું કૌવત દેખાડ્યું અને ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન ખેંચ્યું હતું, તાલીમ દરમ્યાન પ્રથમ નંબર મેળવીને મેડલ પ્રાપ્ત પણ કર્યો હતો. પ્રથમ મેળવવાં બદલ રમેશભાઈને 100 રૂપિયાનું ઇનામ પણ મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે એ સમયે 100 રૂપિયા મોટી રકમ હતી.
શહીદની યાદમાં પરિવાર કરે છે સેવાભાવી કામ
શહીદ રમેશભાઈ જોગલની યાદમાં તેના પરિવાર દ્વારા સતત સેવાભાવી કામ કરવામાં આવી રહ્યા છે. જેમાં અનાથ બાળકોને સહાય, તથા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન મળી રહે તે હેતુંથી અન્નક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યા છે. માત્ર 19 વર્ષની કુમળી વયે મા ભારતીના રક્ષા માટે પ્રાણની આહુતિ આપનાર હાલારના આ જવાન અમર થઇ ગયાં છે. આજે પણ દરેક કાર્યક્રમમાં શહીદ રમેશભાઈને યાદ કરવામાં આવે છે.