Home /News /jamnagar /Jamnagar: જિલ્લામાં 12 કલાકથી ધીમીધારે વરસાદ, જાણો જળાશયોની સ્થિતિ
Jamnagar: જિલ્લામાં 12 કલાકથી ધીમીધારે વરસાદ, જાણો જળાશયોની સ્થિતિ
જામનગર જિલ્લામાં 12 કલાકથી ધીમીધારે વરસાદ
જામનગર જિલ્લાના અનેક એવા જળાશયો છે જે 100 ટકા ભરાઈ ચુક્યા છે, જો કે હજું ડેમ (Water dam) 50 ટકા જ ભરાયા છે. જો કે ખેડૂતોને આશા છે કે આગામી દિવસોમાં ભારે વરસાદથી તમામ જળાશયો ભરાઈ જશે
Sanjay Vaghela, Jamnagar: હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast) પ્રમાણે જામનગર (Jamnagar)માં પણ ભારેથી અતિ ભારે વરસાદ (Heavy rain) પડી રહ્યો છે. મંગળવારે આખી રાત ઝરમર વરસ્યા બાદ બુધવારે પણ સતત વરસાદ પડી રહ્યો છે. હજું પણ આગામી બે દિવસ એટલે કે સાતમ આઠમના તહેવારના દિવસે પણ અવિરત મેઘ મહેર ચાલુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ જામનગર જિલ્લાના અનેક એવા જળાશયો છે જે 100 ટકા ભરાઈ ચુક્યા છે, જો કે હજું ડેમ (Water dam) 50 ટકા જ ભરાયા છે. જો કે ખેડૂતોને આશા છે કે આગામી દિવસોમાં ભારે વરસાદથી તમામ જળાશયો ભરાઈ જશે.
વાત કરીએ જામનગર જિલ્લામાં 24 કલાકમાં પડેલા વરસાદની તો જામનગરમાં તારીખ 16ના મંગળવારની રાતથી જ ધીમીધારે વરસાદ વરસવાનું શરું થયું હતું, ત્યારબાદ આખી રાત ઝરમર બાદ બુધવારે પણ એક પછી એક ઝાપટા ચાલુ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ગામોમાં સારો વરસાદ નોંધાયો છે. જામનગર ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ ધ્રોલ અને જોડિયા પંથકમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો જામનગર શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં પણ એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં સર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બીજી બાજુ ધીમી ધરે પડી રહેલા વરસાદથી મગફળી, કપાસ માટે આ વરસાદ ફાયદાકારક સાબિત થશે તેવું ખેડૂતોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હાલ સમગ્ર રાજ્યમાં સાતમ આઠમના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે, અનેક જિલ્લાઓમાં મેળા શરુ થઇ ચુક્યા છે એવામાં મેળાની મજા પર વરસાદ ખલેલ પહોંચાડી શકે છે.
વાત કરીએ જામનગર જિલ્લાના જળાશયોની સ્થિતિની તો જિલ્લાના નાના મોટા કુલ 7 ડેમ તો 100 ટકા ભરાઈ ચુક્યા છે, જયારે જિલ્લાની જીવાદોરી સમાન ડેમની વાત કરીએ તો સસોઈ ડેમ હજું 38 ટકા જ ભરાયો છે, રણજીતસાગર ડેમ 69 ટકા ભરાઈ ગયો છે.રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસુ કેવું રહ્યું તેની તો રાજ્યના કુલ 207 જળાશયો 76 ટકાથી વધુ જયારે સરદાર સરોવરમાં 85 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે, આ સિવાય રાજ્યના 49 જળાશયો સંપૂર્ણ છલકાયા તેમજ 63 જળાશયો 70 ટકાથી વધુ ભરાયાં છે.