કિંજલ કારસરીયા, જામનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ત્રણ કૃષિ કાયદા પરત ખેંચાવાની જાહેરાત કરવામાં આવતા પંજાબીઓમા ખુશી જોવા મળી રહી છે. ગુરુનાનક જયંતીનાં દિવસે પી.એમ નરેન્દ્ર મોદીની જાહેરાતને પગલે જામનગરમાં ખુશીનો માહોલ સામે આવ્યો છે.
જામનગરના ગુરુદ્વારા ખાતે ઉજવાઈ રહેલી ગુરુ નાનકજી ની 552મી જન્મ જયંતીએ પીએમના આ ઐતિહાસિક નિર્ણય ને પંજાબી લોકોએ આવકાર્યો છે. ઘણા લાંબા સમયથી પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા આંદોલનના મંડાણ કરાયા હતા અને આ આંદોલનને અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના હિતમાં ખૂબ મોટો નિર્ણય લીધો છે ત્યારે દરેક લોકો આ નિર્ણયને વધાવી રહ્યા છે.
ખેડૂતો અને પંજાબી હરિયાણી લોકોની લાગણીઓને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કરેલા ત્રણ કૃષિ કાયદા અંગે આવનારા શિયાળુ સત્રમાં રદ કરવાના મહત્વના આ નિર્ણય ને જામનગરમાં પંજાબી લોકો આવકારતા ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
PM મોદીની ખેડૂતોને આંદોલન સમેટી લેવા અપીલ- પીએમ મોદીએ કહ્યું, અમે કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. તેમજ પીએમ મોદીએ ખેડૂતોને અપીલ કરી હતી કે, તમે તમારા ઘરે, ખેતરમાં પાછા ફરો પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરૂઆત કરો.
ખેડૂતોનું કલ્યાણ સર્વોચ્ચ પ્રાથમિકતા છે- પ્રધાનમંત્રી મોદીએ કહ્યું- મેં ખેડૂતોની સમસ્યાઓ અને પડકારોને ખૂબ નજીકથી જોયા છે. જ્યારે દેશે મને 2014માં વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવાની તક આપી ત્યારે અમે ખેડૂત કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. ઘણા લોકોને ખબર નથી કે દેશના 100 ખેડૂતોમાંથી 80 નાના ખેડૂતો છે. તેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. તેમની સંખ્યા 10 કરોડથી પણ વધુ છે તેમના જીવનનો આધાર જમીનનો આ નાનો જમીનનો ટુકડો જ છે.