રવિ બુદ્ધદેવ, જામનગર: શું તમે સાંભળ્યું છે કે જેલમાં પણ ખેતી થાય. જીહાં, આ એકદમ સાચી વાત છે, એક સમયે રાજ્યમાં બદનામ જામનગર જીલ્લા જેલમાં છેલ્લા કેટલાક સમયથી જેલ સુધારણાના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જામનગર જીલ્લા જેલમાં ફૂલ અને શાકભાજીની ખેતી શરૂ કરવામાં આવી છે, જેનાથી કેદીઓના માનસ પરિવર્તન થવા સાથે તે બહાર નીકળ્યા બાદ પોતાના પગભેર થઇ શકશે.
જામનગર જીલ્લા જેલ આમ તો થોડા સમય પૂર્વે રાજ્યની બદનામ જેલોમાની એક હતી, પણ છેલ્લા કેટલાક સમયગાળાથી આ જેલમાં આમુલ પરિવર્તન જોવા મળી રહ્યું છે. હાલમાં શૈક્ષણિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને વ્યવસાયિક અભિગમ સાથે કેદીઓમાં સુધાર આવે તેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેલમાં ખુબ મોટી પડતર જમીન આવેલી છે, તે જમીન પર છેલ્લા એક વર્ષ જેટલા સમયગાળાથી ગુલાબ સહિતના ફૂલો અને શાકભાજીની ખેતી કેદીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
જામનગર જેલમાં થાય છે ખેતી
જામનગર જીલ્લા જેલમાં હાલ ૫૩૦ કેદીઓ છે, જેમાંથી ૬૫ પાકા કામના જયારે બાકીના કાચા કામના કેદીઓ છે. આ તમામ કેદીઓ બહાર જાય ત્યારે તે ગુન્હાહિત માનસિકતામાંથી બહાર આવે અને પોતાના પગભર થઇ કઈક કરી શકે તે માટે આવા પ્રયાસો જેલ પ્રશાસન હાથ ધરી રહ્યું છે. ખેતીનો જે પ્રયોગ કરવામાં આવી રહ્યો છે તેમાં પણ ધારી સફળતા મળી રહી છે અને ખુદ અધિક્ષક વી.પી.ગોહિલ પોતે પણ ખેતી વિષયના જાણકાર હોય કેદીઓને ખેતી અંગેનું માર્ગદર્શન પુરુ પાડી તેના તરફ વાળી રહ્યા છે.
આમ જેલમાં કેદીઓની માનસિકતા પરિવર્તન થાય તે ગુન્હાઓ કરતાં અટકે અને પોતાની રોજગારી પોતે મેળવતો થાય તેવો જામનગર જેલ પ્રશાશનનો આ પ્રયાસ ખુબ જ સરાહનીય હોય તેમ લાગે છે.