જામનગરઃ કહેવાય છે કે ગુનેગારોને સુધારવા માટે જેલ(prison)ની સજા કરવામાં આવે છે. જેલમાં રહીને કેદી(prisoners)પ્રાયસ્ચિત કરવાની તક આપવામાં આવે છે. જેલમાં સજા ભોગવ્યા બાદ ભલભલા કેદીઓ સુધરી જતાં હોય છે, પરંતુ કેટલાક કેદીઓ એવા હોય છે કે જેઓ સુધરવાનું નામ લેતા નથી. આવી જ એક ઘટના જામનગરમાં (Jamnagar) સામે આવી છે. આ કારણે ફરી એકવાર જામનગર જેલ ચર્ચામાં આવી છે, આ વખતે વિફરેલા એક કેદી દ્વારા જેલના સુબેદાર અને સિપાહી સહિતના સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર બાબતે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ (Police) સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે કેદીને જ્યારે બેરેકમાં લઇ જવામાં આવતો હતો ત્યારે તેણે લાકડી વડે હુમલો કર્યો હતો.
જેલ સ્ટાફ દ્વારા જણાવવામાં આવેલી વિગત એવી છે કે જામનગરની જિલ્લા જેલમાં બપોરના ભોજન પછી તમામ કેદીઓને ફરીથી પોતાની બેરેકમાં બંધ કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન મૂળ સુરેન્દ્રનગરના વતની અને જેલ ટ્રાન્સફર થઇને જામનગરની જિલ્લા જેલમાં મે-2021માં આવેલા પ્રવીણ ઉર્ફે પવલો ઉર્ફે લાલો બળદેવભાઈ સેનાજીયાને બેરેકમાં બંધ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન પ્રવીણ ઉશ્કેરાયો અને બેરેકમાં પરત જવા બાબતે જેલ સ્ટાફ સાથે ઝઘડો કરવા લાગ્યો. આ દરમિયાન જેલના સુબેદાર વિનોદભાઈ સોલંકી લાકડી સાથે આવ્યા હતા, ત્યારે તેમની લાકડી પડાવી લઇને હુમલો કર્યો હતો.
કેદી દ્વારા હુમલો કર્યાનું જાણવા મળતાં જ જેલ સિપાઈ ભરત વશરામ રાનાણી દોડી આવ્યા અને કેદીને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કેદી પ્રવિણે તેના પર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને જેલ કર્મચારીને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો બાદમાં અન્ય સ્ટાફ દ્વારા કેદીને પકડીને સીટી એ ડીવીઝન પોલીસ મથકે લઇ જવાયો હતો અને જેલના સિપાઈ ભરતભાઈ વશરામભાઈ રાનાણીએ પોતાના ઉપર તેમજ સુબેદાર વિનોદભાઈ સોલંકી ઉપર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે કેદી વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી કલમ 332 ,504 506-2, તેમજ જી.પી.એકટ કલમ 135-1 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સમગ્ર બાબતે જ્યારે ફરિયાદ નોંધાતા ભારે ચર્ચા જાગી હતી. આ બાબતે પોલીસસૂત્રો પાસેથી માહિતી મળી હતી કે જામનગરની જિલ્લા જેલમાં જેલના સ્ટાફ સાથે અણછાજતું વર્તન કરી હુમલો કરનાર સુરેન્દ્રનગરનો કેદી પ્રવીણ, અવાર નવાર જેલ સ્ટાફ પર હુમલો કરતો રહે છે. આ પહેલા પણ સુરેન્દ્રનગર જેલમાં જ્યારે તે બંધ હતો ત્યારે પણ તેણે જેલ સ્ટાફ પર હુમલો કર્યો હોવાને કારણે જ જેલ ટ્રાન્સફર કરી જામનગર રાખવામાં આવ્યો હતો. ત્યારે જામનગરમાં પણ લખણ છલકાવનારા કેદીને ફરીથી જેલ ટ્રાન્સફર અને કાર્યવાહી કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.