Home /News /jamnagar /જામનગરમાં એર સ્ટ્રાઇક પર મોદીએ કહ્યુ- 'બીમારી હોય ત્યાં જ ઇલાજ કરવો પડે'

જામનગરમાં એર સ્ટ્રાઇક પર મોદીએ કહ્યુ- 'બીમારી હોય ત્યાં જ ઇલાજ કરવો પડે'

નરેન્દ્ર મોદી

જામનગર આવી પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ જી.જી. હોસ્પિટલ અને હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું.

  ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. પીએમ મોદી સીધા જામનગર પહોંચ્યા હતા. અહીં તેમણે જી.જી. હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. બાદમાં મોદીએ હાજર રેલીને સંબોધી હતી. મોદીએ સભાની શરૂઆત કરતા તમામ  લોકોને શિવરાત્રીને શુભેચ્છા આપી હતી. મોદીએ પોતાની શરૂઆત કેમ છો બધા? સુખમાં છો ને? સાથે કરી હતી. સાથે કહ્યું હતું કે ભોળાનાથ સૌનું ભલું કરે.

  મને નાનું ફાવતું જ નથી: મોદી

  આ પ્રસંગે સૌની યોજનાનો ઉલ્લેખ કરતા આડતરી રીતે એર સ્ટ્રાઇક અંગે બોલતા મોદીએ કહ્યું કે, "તમને બધાને ખબર છે કે મને નાનું તો ફાવતું જ નથી. હમણા એવું જ થયું ને? ડચકા ખાતા કામ નહીં કરવાના. પાઇપ લાઈન નાખવી તો 500 કિલોમીટરની નાખવાની. અમે હમણા ગરીબો માટે આવી જ યોજના શરૂ કરી. અમેરિકા, કેન્ડા, મેક્સિકોની જનસંખ્યાનો સરવાળો કરો એના કરતા વધારે લોકોને ભારતમાં આયુષમાન યોજનાનો લાભ મલશે."

  બીમારીના મૂળની દવા કરવી પડે : મોદી

  મોદીએ જણાવ્યું કે, "જ્યાં બીમારીના મૂળ હોય ત્યાં દવા કરવી પડે. એટલે કે જ્યાંથી બીમારી ઉભી થતી હોય તેની જ સારવાર કરવી પડે. આપણી બીમારી પાડોશમાં છે. તમે જામનગરમાં રહો છો એટલે પાડોશમાં જ રહો છે. તમને તો પહેલા વાવડ મળતા હશે. ભારતનું સૈન્ય જે કહે તેના પર તમને અને મને ભરોશો હોવા જોઈએ. અમુક લોકોને આ વાતમાં પણ પેટમાં દુઃખે છે."

  એરફોર્સ પર આંગણી ચીંધતા પહેલા સાબુ વાપરો

  દેશ પાસે રાફેલ હોત તો આજે પરિણામ કંઈક જૂદુ હોય તેવા પોતાના નિવેદન અંગે મોદીએ કહ્યુ કે, "જેમને મારી વાત સમજાતી નથી તેમની પોતાની મર્યાદા છે. આવા લોકો એરફોર્સની કાર્યવાહી પર શંકા કરે છે. આ લોકો સાબુ વાપરે. સાબુ એટલે સામાન્ય બુદ્ધિ. એર સ્ટ્રાઇક વખતે અમારી પાસે રાફેલ હોત તો અમારું એકેય જાત નહીં અને એમને એકેય બચેત નહીં. દેશને તબાહ કરવાનું વિચારતા લોકો અંગે દેશ હવે જંપીને નહીં બેસે."

  વિપક્ષનો મંત્ર, મોદીને ખતમ કરો

  વિપક્ષ પર હુમલો કરતા મોદીએ કહ્યુ કે, 'એ લોકોનો મંત્ર છે કે આવો સાથે મળો અને મોદીને ખતમ કરો. દેશનો મંત્ર છે કે આવો એક થાવ અને આતંકવાદ ખતમ કરો.'

  ગુજરાતમાં પાણી બચાવો અભિયાન શરૂ થાય

  મોદીએ સ્વચ્છ ભારત અંગે વાત કરતા જણાવ્યું હતું કે સમય આવી ગયો છે કે હવે ગુજરાતમાં પાણી બચાવો અભિયાન શરૂ થાય. ખેડૂતો ડીપ ઇરિગેશનનો ઉપયોગ કરે. શિવરાત્રીના પાવન પર્વે લોકો સંકલ્પ કરે કે અમે પાણીને બચાવીશું. આનાથી જ મોટી ક્રાંતિ આવશે. 100 વર્ષ સુધી કુંભ મેળો સ્વચ્છ ન થયો પરંતુ આપણે કરીને બતાવ્યું.

  સરદાર સરોવરનું કામ પૂર્ણ ન કરવા માટે એ સમયની સરકાર જવાબદાર

  મોદીએ પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે, 'સરદાર સરોવર ડેમનું કામ યોગ્ય સમયે પૂરું ન થયું તે માટે એ સમયની સરકાર જવાબદાર છે. આ માટે સરકારે તેમનો જવાબ આપવો પડશે. સૌની યોજના શરૂ કરી ત્યારે ગામની ચોવટ કરવા માટે ટેવાયેલા લોકો કહેતા હતા કે ચૂંટણી આવી છે એટલે મોદીએ આવું કર્યું છે. એ વખતે આ કામ અશક્ય લાગતું હતું. કારણ કે પાણીને 20-20 માળ સુધી ઉપર ચડાવવાનું હતું. આપણે હેન્ડપંપ અને ટેન્કરો જ જોયા હતા. અમે આવ્યા બાદ અમે એવી પાઇપ લાઇનો નાખી જેમાં તમે મારુતી લઈને ચાલી શકો.'

  આ પ્રસંગે પ્રાસંગિક નિવેદન આપતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, 'દેશનું રક્ષણ, ખેડૂતોનું કામ, સિંચાઈનું કામ, ગરીબોને આયુષમાન ભારત આપવાનું કામ જો કોઈ કરી શકતા હોય તો તે પીએમ નરેન્દ્ર મોદી છે.'

  આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, "એક પછી એક ગુજરાતના 56 ડેમોને ભરવામાં આવી રહ્યા છે. સૌની યોજનાની જાહેરાત વખતે વિરોધીએ કહેતા કે આ તમામ મુંગેરી લાલ કે હસીન સપનાંઓ જેવું છે. પરંતુ અશક્યને શક્ય પીએમ મોદી જ કરી શકે. આજે મહાશિવરાત્રીના પ્રસંગે પીએમ મોદીના વરદ હસ્તે સૌરાષ્ટ્રની ધરતી પર અભિષેક થયો છે."
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Ahmedabad Metro, G G Hospital, જામનગર, નરેન્દ્ર મોદી, પીએમ

  विज्ञापन
  विज्ञापन