કિંજલ કારસરીયા, જામનગર: જામનગરના જોડિયા તાલુકાના રહેવાસીઓ માટે નર્કાગાર જેવી સ્થિતિ બની ગઈ છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જોડિયા ગામમાં ગ્રામ પંચાયતના બે ભાગલા પાડવામાં આવ્યા છે. ત્યારે ગ્રામ પંચાયતની ઓફિસના આસપાસ પણ ગંદકીના ગંજ જામ્યા છે. ગટરના પાણી વચ્ચે ગ્રામ પંચાયતની ઓફિસ ચાલુ છે. લોકોની સમસ્યાનો ઉકેલ આવે તે માટે કોઈને પડી ન હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે.
ચારેબાજુ ગંદકીના ગંજ જામ્યા
ભરશિયાળે જોડિયા તાલુકાના હાર્દસમા વિસ્તારમાં પ્રવેશતા જ રસ્તાઓમાં ચાલવું પણ મુશ્કેલ બને છે. ચારેબાજુ માત્ર ગંદકી જ જોવા મળી રહી છે. જોડીયામાં ઠેર-ઠેર રસ્તાઓ પણ ગટરના પાણીની નદીઓ વહી રહી છે. તેને લઈને સ્થાનિકો હેરાન-પરેશાન થઈ ગયા છે. તેટલું જ નહીં, ગંદકીને કારણે રોગચાળાનો ભય વધ્યો છે.
અવ્યવસ્થાનો નિકાલ લાવવા માટે માગણી
ભૂગર્ભ અને ગટર વ્યવસ્થા ઉપરાંત પાણીના પ્રશ્નોને લઈને સ્થાનિકો તંગ બન્યા છે. News 18 ગુજરાતીના સંવાદદાતા જોડિયાના આ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ પોતાના પ્રશ્નોને લઈને કાયમી નિવેડો આવે તે માટે પોતાની વ્યથા રજૂ કરી હતી. ચૂંટણી સમયે વાયદાઓ આપતા નેતાઓ કામ નથી કરી રહ્યા તેવા આક્ષેપ સાથે લોકો દ્વારા ઘરે ઘરે માંદગીઓ પ્રસરી રહી છે તેવું જણાવી તાત્કાલિક આ વિસ્તારમાં સુવિધાઓ ઊભી કરવા માગણી કરવામાં આવી રહી છે.