Home /News /jamnagar /જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, વિપક્ષે કહ્યું કે, સોપારી લીધી કે શું?
જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, વિપક્ષે કહ્યું કે, સોપારી લીધી કે શું?
જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી ને લઇને વિપક્ષીનેતા આનંદ રાઠોડ દ્વારા અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે.
રાજાશાહી વખતનું નવાનગર કે, જેને લોકો આજે જામનગર તરીકે ઓળખે છે. સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતા આ જામનગરમાં રસ્તે રજળતી રંજાળ એટલે કે, ઢોરના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જામનગર શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર ઢોરોનો આતંક અવારનવાર જોવા મળતો હોય છે.
કિંજલ કારસરીયા, જામનગર : જામનગરમાં રખડતી રંજાડની સમસ્યા વર્ષો જૂની છે. અનેક વખત શહેરમાં રખડતા ઢોરને કારણે લોકો ઇજાગ્રસ્ત થયા છે. મોટી ઉમરના વૃદ્ધથી લઈને નાની ઉંમરના બાળકોને પણ હવે રસ્તે રઝળતા ઢોર અડફેટે લઇ રહ્યા છે. ત્યારે આ સમસ્યાનું કાયમી નિવારણ લાવવામાં મહાનગરપાલિકાનું તંત્ર વામણું પુરવાર થયું છે.
રાજાશાહી વખતનું નવાનગર કે, જેને લોકો આજે જામનગર તરીકે ઓળખે છે. સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતા આ જામનગરમાં રસ્તે રજળતી રંજાળ એટલે કે, ઢોરના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જામનગર શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર ઢોરોનો આતંક અવારનવાર જોવા મળતો હોય છે. અને ક્યારેક તો ઢોરની ઢીકે કેટલાય શહેરીજનોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો જામનગરમાં તાજેતરમાં જ ઓગસ્ટ, 2021માં 10 તારીખે ચૌહાણ ફળી વિસ્તારમાં મહિલાને રખડતા ઢોર એ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનાવ્યા હતા. આ ઘટનામાં વચ્ચે પડેલ અન્ય મહિલા અને નાની બાળકીને પણ ખૂબ ઈજાઓ થઈ હતી. તેના સીસીટીવી પણ સામે આવ્યા હતા અને આ હૃદયદ્રાવક દ્રશ્યો બાદ મહાનગરપાલિકાની કાર્યવાહી ગોકળગાયની ગતિએ શરૂ કરવામાં આવી હતી. અને રસ્તે રખડતા ઢોર મુકનાર સામે કાર્યવાહી કરવા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું.
આ ઘટનાક્રમ બાદ 8 સપ્ટેમ્બર, 2021ના રસ્તે રઝળતી રંજાડ લોકોના ઘરમાં ઘૂસી નાના બાળકને ઘોડીયા સહિત બહાર લાવી રીતસરનો આતંક મચાવ્યો હતો. ત્યાર બાદ એક પછી એક અનેક વખત સ્થાનિકોને રસ્તે રખડતા ઢોરોથી અકસ્માતો થયા છે. થોડા મહિના પહેલા જામનગરના ઇન્દિરા સોસાયટીમાં પણ મોડી રાત્રે ઢોરના આતંકને કારણે રાહદારીને હડફેટે લીધા હતા. અને આ ઘટનામાં પણ વૃદ્ધને ગંભીર ઇજાઓ થઇ હતી.
તાજેતરમાં જ 16 મે, 2022ના પણ જામનગરના કિશાન ચોક વિસ્તારમાં મહિલાને રસ્તે છુટ્ટા ફરતા ઢોરે હડફેટે લઇ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આવી છેલ્લા એકાદ વર્ષની ચારથી પાંચ ઘટનાઓ બાદ પણ જામનગરમાં ઢોરની સમસ્યા યથાવત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા બીપીએમસી એકટની જોગવાઈ મુજબ રસ્તે રઝળતા પશુઓથી લોકોને હાલાકી ના પડે તેના માટે ખાસ તકેદારી રાખવાની જવાબદારી છે. ત્યારે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ છતાં પણ આ સમસ્યાનો કોઈ નિવેડો આવી રહ્યો નથી.
જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી ને લઇને વિપક્ષીનેતા આનંદ રાઠોડ દ્વારા અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે. અગાઉ ચૂંટણી ઢંઢેરામાં પણ રસ્તે રખડતા ઢોરોના નિકાલ માટે ભાજપ દ્વારા વચન આપવામાં આવ્યું હતું તે વચન નહીં નિભાવી લોકોને મારવા માટેની સોપારી આપી હોય તેમ વિપક્ષી નેતા આક્ષેપ લગાવી રહ્યા છે. જામનગર ની શેરી ગલીઓમાં રખડતા ઢોર થી લોકો ત્રસ્ત બન્યા છે ત્યારે અવાર નવાર અનેક અકસ્માતો સર્જનારા ઢોરથી લોકોને મુક્તિ મળે એ માટે નક્કર આયોજન જરૂરી છે અને શહેરમાં રખડતા ઢોરને રખડતા મૂકનાર સામે પણ કાર્યવાહી થાય તો ઢોરની થતાં અકસ્માતો ચોક્કસ નિવારી શકાય.