Kishor chudasama, jamnagar: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી અને દર્દીઓ માટે વરદાનરૂપ જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ જનરલ હોસ્પિટલ (જીજી હોસ્પિટલ)માં રૂ.13 કરોડના ખર્ચે આધુનિક એમ.આર.આઈ.મશીનની સુવિધા આપવામા આવી છે. ઘર આંગણે જ આ સુવિધા મળતા લોકોનો સમય બચશે અને તેઓને ઝડપી સારવાર ઉપલબ્ધ મળી રહેશે.બીજી જગ્યાએ જવા માટે પડતી હાલાકી દૂર થશે અને આર્થિક ખર્ચમાં રાહત થશે. એમઆરઆઇ મશીન દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબીત થશે!
મશીનમાં 1.5 ટેસ્લા જેટલી પ્રબળ ચુંબકીય ક્ષમતા
જી.જી.હોસ્પિટલમાં એમ.આર.આઈ.ની સુવિધાના અભાવે દર્દીઓએ બહાર જવું પડતું ત્યારે હવે સ્થાનિક કક્ષાએ જ આ સુવિધા ઉભી કરાઈ છે. આ મશીન અંગે માહિતી આપતાં હોસ્પિટલના રેડીયોલોજી વિભાગના વડા નંદિની બહારી તેમજ જી.જી.હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ તિવારીએ જણાવ્યું હતું કે જામનગર ખાતેથી સૌપ્રથમ એમ.આર.આઈ. મશીન અતિ આધુનિક અને 1.5 ટેસ્લા જેટલી પ્રબળ ચુંબકીય ક્ષમતા ધરાવે છે. આ મશીનની મદદથી રેડિયેશનના ઉપયોગ વગર શરીરના આંતરિક માળખા અને અવયવોને ખૂબ જ સ્પષ્ટ રીતે જોઈ તેમાં થતા રોગોનું નિદાન કરી શકાશે.
તબીબી વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના નવા દર્દીઓના નિદાનની તક મળશે
મશીનમાં ફૂલ પેકેજ ઉપલબ્ધ કરાવેલ છે એટલે કે મશીન તથા મશીનની સાથે તમામ પ્રકારની કોઇલ્સ કે જે વૈકલ્પિક હોય છે તે બધીજ ઉપલબ્ધ કરાવાઇ છે જેના ઉપયોગથી કેન્સરના દર્દીઓ, મગજના રોગો, કમરના રોગો, ચેપી રોગો, હાડકા અને માસ પેશીના રોગો, સગર્ભા સ્ત્રીઓ તથા ગર્ભમાં રહેલ બાળકની ખોડ ખાપણનું સચોટ નિદાન શક્ય બનશે. નવા મશીનથી અનુસ્નાતક ટ્રેનિંગમાં પણ ઘણો લાભ થશે.તબીબી વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના નવા દર્દીઓના નિદાનની તક મળશે જેથી તેઓ પોતાના ક્ષેત્રે તમામ રોગોનું નિદાન કરવા વધુ સક્ષમ બનશે.