Home /News /jamnagar /Jamnagar School Marriage: જામનગરઃ સરકારી શાળામાં કોની મંજૂરીથી લગ્નનું આયોજન કરી દેવામાં આવ્યું?
Jamnagar School Marriage: જામનગરઃ સરકારી શાળામાં કોની મંજૂરીથી લગ્નનું આયોજન કરી દેવામાં આવ્યું?
જામનગરની સરકારી સ્કૂલ લગ્નનું આયોજન કરાયું
Jamnagar School: જામનગરની સરકારી શાળામાં મંજૂરી વગર લગ્નનું આયોજન કરાયું હોવાની ખબર સામે આવી છે. અધિકારીએ જણાવ્યું કે આ અંગે તેમણે મંજૂરી આપી નહોતી, તો પછી કઈ રીતે અને કોની મંજૂરીથી અહીં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તે સવાલ ઉઠી રહ્યો છે.
કિંજલ કારસરીયા, જામનગરઃ આજના સમયમાં ખાનગી શાળા દ્વારા પોતાના મેદાનો મકાન વગેરેને ભાડે આપીને આવક કરવામાં આવતી હોય છે. પરંતુ જામનગરની એક સરકારી શાળા એ કારણે ચર્ચામાં આવી છે કે અહીં મંજૂરી વગર લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ શાળામાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું તે અંગે કોને પૂછવામાં આવ્યું હતું તેવા સવાલ ઉઠી રહ્યા છે.
સામાન્ય રીતે લગ્નનું આયોજન કરવામાં આવે ત્યારે જાહેર માર્ગ કે જાહેર સ્થાન પર આયોજન કરવા માટે મંજૂરી લેવી પડતી હોય છે. પરંતુ જામનગરના નવાગામની પ્રાથમિક શાળામાં મંજૂરી વગર લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવાગામના ઘેડ વિસ્તારમાં આવેલી સરકારી શાળા નંબર-42માં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ અંગે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લગ્ન યોજવા અંગે મંજૂરી આપી હોવાનો ઈનકાર કરી દીધો છે. આ પ્રકારની કોઈ મંજૂરી આપવામાં ન આવી હોવાનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પણ ઈનકાર કરવામાં આવ્યો છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ફાલ્ગુની પટેલ જણાવે છે કે, "જે સવાલ ઉઠી રહ્યો છે તે અંગે મેં કોઈ મંજૂરી આપી નથી." તેમણે વધુમાં એમ પણ જણાવ્યું છે કે, "મારી સમક્ષ આ અંગે રજૂઆત આવી હતી, પરંતુ નિયમ અનુસાર આ પ્રકારના આયોજન ના કરી શકાય જેના કારણે મેં ના પાડી હતી. એટલે મારા દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી નથી."
અધિકારી દ્વારા આ અંગે મંજૂરી આપવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો હતો તેમ છતાં શાળામાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું તે માટે હવે કોણ જવાબદાર છે તે સવાલનો જવાબ મળ્યો નથી.