Sanjay Vaghela, Jamnagar: જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ચારેબાજુ મગફળીના જ ઢગલા જોવા મળી રહ્યાં છે. ચોમાસુ પાકની જણસો માર્કેટિંગ યાર્ડમાં આવવાનું શરૂ થઇ ગયું છે. ખાસ કરીને કપાસ અને મગફળીની મબલખ આવક થઇ છે. હાપા યાર્ડમાં દરરોજ જેટલી મગફળી આવે છે તેટલી જ મગફળીનું વેચાણ પણ થઇ જાય છે જેનો સીધો ફાયદો ખેડૂતોને મળી રહ્યો છે. એટલું જ નહીં મગફળીનો સારો એવો ભાવ પણ મળી રહ્યો છે. જામનગરનું હાપા યાર્ડ સૌથી વધુ ભાવ માટે જાણીતું છે, હાલારના ખેડૂતોની 66 અને 9 નંબરની મગફળી ખરીદવા માટે છેક તામિલનાડુથી વેપારીઓ આવતાં હોય છે, જેઓ સારો ભાવ પણ આપે છે. આ વખતે 66 અને 9 નંબરની મગફળીના 1900થી વધુ ભાવ બોલાયા છે.
જામનગર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલના જણાવ્યા પ્રમાણે છેલ્લા એક સપ્તાહથી મગફળી અને કપાસની આવક શરૂ થઇ ગઇ છે. દરરોજ પાંચ હજાર મણથી લઇને અત્યારસુધીમાં 18 હજાર મણ કપાસની આવક થઇ ચૂકી છે. એટલું જ નહીં દરરોજ જેટલા પ્રમાણમાં કપાસની આવક થાય છે એટલું જ વેચાણ પણ થઇ જાય છે. 20 કિલો કપાસના ભાવ 1805 ભાવ ખેડૂતોને પ્રાપ્ત થયા છે. કપાસની જેમ મગફળીની પણ દરરોજ પાંચથી સાત હજાર મણની આવક થઇ રહી છે. હિતેશભાઇનું કહેવું છે કે અન્ય યાર્ડની સરખામણીમાં જામનગર યાર્ડમાં ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે જેનાથી ખેડૂતો પણ ખુશ છે.
જામનગર યાર્ડમાં કેમ વધુ ભાવ મળે છે ?
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બેથી ત્રણ દિવસથી તામિલનાડુના વેપારીઓ મગફળી અને કપાસની ખરીદી અર્થે આવી રહ્યાં છે. હરરાજીમાં ખેડૂતોને મગફળીના 1200થી 1900 સુધીના મણ દીઠ ભાવ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે હાપા માર્કેટિંગ યાર્ડમાં જ જોવા મળતી 66 નંબર અને 9 નંબરની મગફળીની ખરીદી કરવા માટે છેક તામિલનાડુથી વેપારીઓ દર વર્ષે જામનગર આવે છે. મગફળી અને કપાસનો સારો ભાવ મળતાં ખેડૂતો આ વર્ષ સફળ જશે તેવું અનુમાન લગાવી રહ્યાં છે. બીજી બાજુ હજુ પણ સતત કપાસ અને મગફળીની આવક શરૂ જ છે ત્યારે આગામી થોડા દિવસ હાપા માર્કેટિંગ યાર્ડમાં મોટાપ્રમાણમાં મગફળી અને કપાસથી છલકાયેલું રહેશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Marketing yard, Peanuts