કિંજલ કારસરીયા, જામનગર: કોરોનાની બે લહેરને ધ્યાને લઈને કોરોનાનું સંક્રમણ મોટા પ્રમાણમાં વધવાની દહેશતને પગલે સતત બીજા વર્ષે શ્રાવણી લોકમેળાનું આયોજન રદ કરાયું છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને લોકમેળા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. હાલ કોરોના માંડ માંડ કાબૂમાં આવ્યો છે ત્યારે ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં લઇ મેળો ન યોજવા મહાનગપાલિકા દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ છે. સાથે સાથે જામનગર શહેરમાં 4.17 કરોડના વિકાસના કામો પણ મંજૂર કરાયા છે.
પ્રતિ વર્ષે જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદીના પટમાં શ્રાવણી લોકમેળા તેમજ પ્રદર્શન ગ્રાઉન્ડમાં જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ કોરોના કાળ દરમિયાન અને સંભવિત ત્રીજી લહેરને અનુલક્ષીને શ્રાવણી મેળા પર સંકટના વાદળો ઘેરાયા હતાં. ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદીના પટમાં શ્રાવણ મહિનાના ચાર સોમવાર તેમજ સાતમ-આઠમના તહેવારોએ યોજાતા પરંપરાગત શ્રાવણી લોક મેળાનું આયોજન થાય છે. જ્યારે શહેરની મધ્યમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડમાં સાતમ-આઠમના પાંચ દિવસના જન્માષ્ટમી મેળાનું આયોજન થાય છે.
ગયા વર્ષે પણ કોરોનાકાળ દરમિયાન બંને મેળાઓ રદ કરી દેવામાં આવ્યા હતા. શ્રાવણ માસ નજીક છે ત્યારે આ વર્ષે પણ મેળો ન યોજવા મહાનગપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરી સત્તાવાર જાહેરાત કરાઈ છે.
જામનગર મહાનગરપાલિકાના સ્ટે.કમિટી ચેરમેન મનીષ કટારીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "જામનગર શહેરમાં 4.17 કરોડના જુદા જુદા વિકાસના કામો મંજૂર કરાયા છે. જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ અને રંગમતી નદીના પટ્ટમાં યોજાતા શ્રાવણી મેળામાં જામનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો પણ મેળાની મોજ માણવા માટે આવતા હોય છે, પણ કોરોના મહામારી અને તકેદારીને જોતા આ વર્ષે લોકમેળા રદ કરવાનો નિર્ણય હાલ લેવાયો છે. આગામી સંજોગો અને પરિસ્થિતિને ધ્યાને લઇને કોઈ છૂટછાટ મળશે તો ફેર વિચારણા કરવામાં આવશે."