કિંજલ કારસરીયા, જામનગર: જામનગરમા આવેલા પોષ વિસ્તારમાં ઘરેથી નીકળી ટ્યુશન જતી યુવતી પર ધરાર પ્રેમીએ રસ્તામાં આંતરિ છરી વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં એકતરફી પ્રેમીએ કોલેજિયન યુવતી પર છરી વડે હુમલો કર્યો છે. યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતાં આરોપીએ એકાએક ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો. તેને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રેમ સંબંધ રાખવા માટે યુવાનનું દબાણ
મળતી માહિતી પ્રમાણે, જામનગરના રામેશ્વર નગર નજીક વિનાયક પાર્ક વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષની એક કોલેજિયન યુવતી મંગળવારે સાંજે અન્ય યુવતી સાથે ટુ વ્હીલર પર બેસીને ટ્યુશન ક્લાસમાં જઈ રહી હતી. આ દરમિયાન રામેશ્વર નગર કે.પી. શાહની વાડીના રસ્તામાં અજય સરવૈયા નામનો શખ્સ કે, જે વિનાયક પાર્ક વિસ્તારમાં રહે છે, તેણે આવીને ધરાર પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું હતું અને કહ્યુ હતુ કે, ‘તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો છે કે નહીં.’ ત્યારે યુવતીએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
ઉશ્કેરાઈને યુવકે છરીથી હુમલો કર્યો
તેને લઈને આરોપી યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને અજય સરવૈયા નામના યુવાને યુવતી પર છરીથી હુમલો કરી દીધો હતો. આ ઘટનાને લઈને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે યુવતીને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને તેને માથાના ભાગે ટાંકા લેવાની ફરજ પડી હતી. દિવસેને દિવસે વધતી જતી લુખાગીરી અને દાદાગીરીની રોમિયોગીરી જેવી ઘટનાઓને લઈને કોલેજિયન યુવતીએ પોતાના પર હુમલો કરનારા અજય સરવૈયા સામે ફરિયાદ નોંધાવતાં જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.