Home /News /jamnagar /જામનગરની જી.જી હોસ્પિટલ બાળ દર્દીઓથી ઉભરાઈ, ખાટલા ખૂટી પડતા એક બેડ પર બેથી ત્રણ દર્દી રાખવા પડ્યાં
જામનગરની જી.જી હોસ્પિટલ બાળ દર્દીઓથી ઉભરાઈ, ખાટલા ખૂટી પડતા એક બેડ પર બેથી ત્રણ દર્દી રાખવા પડ્યાં
જીજી હોસ્પિટલમાં બાળદર્દીઓ ઊભરાયા
સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા ક્રમની જામનગરમાં આવેલી સરકારી ગુરૂગોવિંદસિંઘ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં ખાટલા ખૂટી પડ્યાં હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
કિંજલ કારસરીયા, જામનગર : સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા ક્રમની જામનગરમાં આવેલી સરકારી ગુરૂગોવિંદસિંઘ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં ખાટલા ખૂટી પડ્યાં હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બેવડી ઋતુ અને ઓરીના બાળકોમાં વધી રહેલા રોગચાળાને લઈને હોસ્પિટલમાં 1થી વધુ બાળદર્દીઓને બેડમાં સારવાર આપવી પડી રહી છે.
જામનગરમાં આવેલી ગુરુ ગોવિંદસિંધ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં દર્દીઓ કીડીયારાની માફક ઉભરાઈ રહ્યા છે. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી બાળદર્દીઓ હાલ બેવડી ઋતુના કારણે રોગચાળાના ભોગ બની રહ્યા છે અને સારવાર માટે જી.જી હોસ્પિટલમાં આવી રહ્યા છે. સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના બાળરોગના નિષ્ણાંત ડો. મૌલિક શાહના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાય દિવસોથી વાયરલ રોગચાળાને કારણે બાળકોના રોગોમાં કંટ્રોલ આવતા એક-બે દિવસને બદલે હવે એક અઠવાડિયાથી 15 દિવસ જેટલો સમય લાગવાને કારણે હોસ્પિટલમાં બાળ દર્દીઓની સંખ્યા વધી છે. જેને લઈને એક ખાટલામાં એકથી વધુ અને કેટલાક વોર્ડમાં ખાટલા ન મળતા જમીન ઉપર પણ બાળકોને સારવાર આપવાની ફરજ ઊભી થઈ રહી છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં બાળકોના વોર્ડની ક્ષમતા કરતાં વધુ બાળદર્દી હોવાથી એક બેડમાં બેથી ત્રણ બાળ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જામનગર શહેર અને જિલ્લામાં હાલ ઠંડી-ગરમી મિશ્ર ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે. જેની અસર ખાસ કરીને વૃદ્ધ તેમજ બાળકો પર પડી રહી છે. આ વિપરિત અસરને લીધે બાળકો તાવ અને શરદી-ઉધરસ સહિતની બીમારીનો શિકાર બની રહ્યા છે અને તેને કારણે જી. જી. હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં બાળ દર્દીઓનો રાફડો ફાટ્યો છે.
આજે સવારથી મોટી સંખ્યામાં બાળ દર્દીઓ સારવાર માટે દાખલ થયા હોવાથી અનેક બેડ પર બેથી ત્રણ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી જામનગર શહેરની જી. જી. હોસ્પિટલમાં તાવ, ઉધરસ, શરદી સહિતના સામાન્ય રોગના દરરોજ ત્રણસોથી વધુ બાળ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. જ્યારે ચિલ્ડ્રન વોર્ડની ક્ષમતા 140 બેડની હોવાથી એક બેડ પર બેથી ત્રણ દર્દીઓને સારવાર અપાઈ રહી છે. તો બીજી બાજુ આ પરિસ્થિને લઈ આરોગ્ય તંત્રમાં પણ દોડધામ જોવા મળી રહી છે અને ડોક્ટરો સહિતનો સ્ટાફ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે.