ડોક્ટર, ઉદ્યોગપતિ અને વકીલો જોડાયેલા છે આ સાયકલિંગ ક્લબમાં
જામનગર સાઇક્લિંગ ક્લબ (Jamnagar Cycling Club) છે જેમાં ડોક્ટર, વકીલો, અને ઉદ્યોગપતિઓ તથા અન્ય શહેરીજનો જોડાયેલા છે. આ ગ્રુપ સાયકલિંગ માટે દરરોજ સવારે 6 વાગ્યે સાત રસ્તા સર્કલ પાસે એકત્રિત થાય છે અને પછી શહેરની બહાર અનેક કિલોમીટર સુધી સાયકલીંગ કરે છે
Sanjay Vaghela, Jamnagar: આજના મહામારીના યુગમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુને વધુ જાગૃત થઇ રહ્યા છે. જો કે કોરોના મહામારી પહેલાથી પણ ઘણા એવા લોકો પણ છે જેઓ પોતાના સ્વાસ્થ્ય અંગે પહેલેથી જ જાગૃત છે અને દરરોજ આ બાબતને ગંભીરતાથી લઇ રહ્યા છે. તો ઘણા લોકો એવા પણ છે જેઓ સમયના અભાવનું બહાનું કરીને પોતાના સ્વાસ્થ્ય સાથે ચેળા કરી રહ્યા છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે જામનગરમાં એક પ્રતિષ્ઠિત લોકોનું સાઇક્લિંગ ક્લબ (Jamnagar Cycling Club) કે જેમાં ડોક્ટર, ઉદ્યોગપતિ, સોલ્જર સહીતના લોકો જોડાયેલા છે અને તેઓ દરરોજ વહેલી સવારે એકત્રિત થઇને સાયકલિંગ કરવા નીકળી પડે છે. શું છે આ ગ્રુપ અને કેવી રીતે કામ કરે છે આવો વિગતે જાણીએ.
રોજના 15થી 30 કિલોમીટર સુધી કરે છે સાયકલિંગ
જામનગર સાઇક્લિંગ ક્લબ એટલે કે JCC ગ્રુપ છે જેમાં ડોક્ટર, વકીલો, અને ઉદ્યોગપતિઓ તથા અન્ય શહેરીજનો જોડાયેલા છે. આ ગ્રુપ સાયકલિંગ માટે દરરોજ સવારે 6 વાગ્યે સાત રસ્તા સર્કલ પાસે એકત્રિત થાય છે અને પછી શહેરની બહાર અનેક કિલોમીટર સુધી સાયકલીંગ કરે છે. આ ગ્રુપમાં 100થી વધુ લોકો જોડાયેલા છે. એટલું જ નહીં અવાર-નવાર તેઓ 200, 400, 600, 1200 કિલોમીટરની સાઇક્લિંગ સ્પર્ધાનું પણ આયોજન કરે છે. અને દેશ વિદેશમાં યોજાતી સ્પર્ધામાં ભાગ લેવા પણ જાય છે. આ ગ્રુપના અનેક સભ્યો દેશ વિદેશમાં યોજાયેલી સ્પર્ધામાં ભાગ લઇ ચુક્યા છે અને વિજેતા પણ બન્યા છે.
જામનગર સાઇક્લિંગ ક્લબનો મુખ્ય ઉદેશ્ય સાયકલ ચલાવીને પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખવાનો છે. જો કોઈ વ્યક્તિ આ ગ્રુપમાં જોડાવવા ઈચ્છે તો તેઓ પણ ફ્રીમાં જોડાઈ શકે છે. બસ સાયકલ અને હેલ્મેટ લઈને રોજ સવારે 6 વાગ્યે સાત રસ્તા સર્કલ પાસે પહોંચી જવાનુ. આ ગ્રુપ દ્વારા પર્યાવરણ અંગે પણ લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેમ કે આ ગ્રુપના સભ્યો દ્વારા સમયાંતરે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવે છે અને કેટલાક પ્રવાસન સ્થળો પર સાફ-સફાઈ પણ કરવામાં આવે છે.
સાયકલિંગ માટે સાયકલની પસંદગી કેવી રીતે કરવી?
સાઇક્લિંગ કરવાના અનેક ફાયદાઓ રહેલા છે, જેમાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અને સ્પોર્ટ્સ કે એડવેન્ચર તરીકે પણ લોકો સાઇક્લિંગ કરતા હોય છે. જાણીતા જામનગરના જાણીતા સાઇક્લિંગ રાહુલભાઈ ગણાત્રાએ જણાવ્યું કે સાઇક્લિંગ માટે યોગ્ય સાયકલ હોવી ખુબ જ જરૂરિયાત છે, નહીં તો શારીરિક ઇજા થઇ શકે છે. સાયકલ ચાર પ્રકારની હોય છે, જેમ કે MTV એટલે કે માઉન્ટેન ટેરિંગ બાઈક, કે જેમાં ટાયર જાડા હોય છે, જે કાચા રસ્તા અથવા ઓફ રોડિંગ માટે બેસ્ટ છે. બીજા નંબર પર ગ્રેવલ બાઈક કે જે ઇન્ડૉરન્સ એટલે કે લાંબા અંતર માટે પરફેક્ટ છે. આ સિવાય ત્રીજા નંબર પર હાઇબ્રિડ બાઈક છે, જેમાં ટાયર પાતળા હોય છે અને તે મીડીયમ રેન્જ માટે વાપરી શકાય છે. અને છેલ્લી ચોથા નંબર પર છે રોડ બાઈક છે કે કોઈ કોમ્પિટિશન માટે હોય છે.