જામનગર: ઝડપની મજા કેટલી ભારે પડી શકે છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જામનગરમાં તીનબતી નજીક બે ટુવ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં બાઈકચાલકનો જીવ બચી ગયો છે, પરંતુ તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
અકસ્માતની ઘટના CCTVમાં કેદ
બે ટુવ્હીલર વચ્ચે થયેલા અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. 17 સેકન્ડનો આ વીડિયો હચમચાવી દે તેવો છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, રાત્રીના સમયે વાહનો રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. કેટલાક રાહદારીઓ પગપાળા પણ જઈ રહ્યા છે. આ દરમિયાન એક બાઈક ચાલક પૂરપાટ ઝડપે આવે છે અને રસ્તો ક્રોસ કરી રહેલા બીજા બાઈક સાથે ધડાકાભેર અથડાય છે.
સીસીટીવીમાં જોઇ શકાય છે કે, પાછળથી આવેલા બાઈકચાલકની સ્પીડ એટલી વધુ હોય છે કે, અન્ય બાઈકચાલક કંઈ સમજે તે પહેલાં જ બંને વાહનો અથડાઈ ચૂક્યા હતા. અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડીને આવી ગયા હતા. સદનીસીબે દુર્ઘટનામાં બંને બાઈકચાલકોનો જીવ બચી ગયો છે. જોકે, બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં ઘાયલ વાહનચાલકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, ઝડપની મજા કેવી રીતે સજા બની જતી હોય છે, તે આ સીસીટીવીમાં જોઇ શકાય છે.