Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી જામજોધપુર બેઠક પર કેવા છે રાજકીય આટાપાટા, જાણો
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી જામજોધપુર બેઠક પર કેવા છે રાજકીય આટાપાટા, જાણો
જામજોધપુર વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ચિરાગભાઈ કાલરિયાએ ભાજપ ઉમેદવાર ચિમનભાઈ શાપરિયાને હરાવ્યા હતા
ગુજરાત ચૂંટણી 2022: જામજોધપુર વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ચિરાગભાઈ કાલરિયાએ ભાજપ ઉમેદવાર ચિમનભાઈ શાપરિયાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી. તો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ચિમનભાઈ શાપરિયાએ કોંગ્રેસ ઉમેદવાર હરદાસ આહિરને મ્હાત આપી હતી.
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જેના માટે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ કમર કસી છે. ગુજરાતમાં અઢી દાયકાથી વધારે સમયથી ભાજપનુ શાસન છે અને સત્તાવિરોધી લહેર મહત્વનું પરિબળ બની જાય છે. ભાજપ તેના પરંપરાગત શહેરી મતદારો સાથે ગામડાના ઓબીસી, દલિત અને આદિવાસી મતદારો પર તેનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ આ તમામને પહેલેથી જ પોતાની વોટ બેન્ક સમજે છે. ત્યારે આ વખતે જંગ ફક્ત ભાજપ અને કોંગ્રેસ પૂરતી સીમિત નથી, પરંતુ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ તડામાર તૈયારીઓ કરી રહી છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે ગુજરાતમાં હવે ચૂંટણીની મોસમ જોશભેર ખીલી રહી છે. ગુજરાતમાં ભલે ભાજપનું શાસન હોય પરંતુ આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ચિત્ર બદલી શકે છે. આ તમામની વચ્ચે આજે આપણે જામજોધપુર વિધાનસભા બેઠક વિશે ચર્ચા કરીશું.
જામજોધપુર વિધાનસભા બેઠક
ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો આવેલી છે. આ 182 બેઠકમાં જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠક 80માં ક્રમાંકે છે. જામજોધપુર વિધાનસભા મત વિસ્તાર જામનગર લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે. જામજોધપુર વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ચિરાગભાઈ કાલરિયાએ ભાજપ ઉમેદવાર ચિમનભાઈ શાપરિયાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી.
તો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ચિમનભાઈ શાપરિયાએ કોંગ્રેસ ઉમેદવાર હરદાસ આહિરને મ્હાત આપી હતી. વર્ષ 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં જામજોધપુર વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ 47.40 ટકાવારી નોંધાઈ હતી. જામજોધપુરમાં ભાજપના ચૂંટણી પ્રભારી તરીકે સુરેશભાઈ વસરાની નિમણુંક કરવામાં આવી છે.
રબારીકા, સડોદર, સમાણા, સતાપર, શેઠ વડાળા, સિદસર, સોગઠી, સોન વાડીયા, સુખપર ધ્રાફા, સખપુર, તરસાઇ, ઉદેપુર, વડવાળા, વાલાસણ, વનાણા, વાંસજાળીયા, વસંતપુર, વેરાવળ, વિરપુર, ઝીણાવારી આ તમામ ગામોનો જામજોધપુર વિધાનસભા મતવિસ્તારમાં સમાવેશ થાય છે.
જામજોધપુર મતદાર સમીકરણ
જામજોધપુર વિધાનસભા બેઠક પર કુલ 2,24,230 મતદારોનો સમાવેશ થાય છે. જેમાં 1,15,697 પુરુષ મતદારો છે અને 1,08,533 મહિલા મતદારો છે. આ બેઠક પર પાટીદાર સમાજનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે.
જામજોધપુર તાલુકા પંચાયત ચૂંટણી
જામજોધપુર તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠકમાંથી 9 બેઠક પર કોંગ્રેસે કબ્જો કર્યો હતો. જેમાંથી કોંગ્રેસે એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. આ બેઠક બહુજન સમાજ પાર્ટીના સભ્યએ કબ્જે કરી લીધી છે. સત્તાની સાંઠમારી સર્જાતા બહુજન સમાજ પાર્ટી પાસે માત્ર બે બેઠક હોવા છતાં તે નિર્ણાયક ભૂમિકામાં આવી ગઈ હતી.
કોંગ્રેસના અસંતુષ્ટ નેતા હંસાબેન સાકરિયા બહુજન સમાજ પાર્ટીમાં જોડાઈ જતા બસપાએ ત્રણ બેઠક પર કબ્જો કરી લીધો હતો. પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના સાત ઉમેદવારના ટેકાથી પ્રમુખ પદે હંસાબેન અને ઉપપ્રમુખ પદે ભાજપના દેવાભાઈ પરમાર ચૂંટાઈ આવ્યા હતાં.
ચિરાગ કાલરિયા વિવાદ
સિદસરમાં કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરને 10 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ યોજાયો હતા. આ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં જામજોધપુરના કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ કાલરિયા પણ હાજર રહ્યા હતા.
ચિરાગ કાલરિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આશીર્વાદ લીધા હતા. આ કારણોસર ચિરાગ કાલરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ થવા લાગી હતી. આ મામલે ચિરાગ કાલરિયાએ સ્પષ્ટતા કરી હતી કે, મારા ભાજપમાં જોડાવાની વાતો માત્ર અફવા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મારા વડીલ છે, જેથી મેં તેમના આશીર્વાદ લીધા હતા.
ચિરાગ કાલરિયાએ અગાઉ નિવેદન આપ્યું હતું કે, ભાજપ કોંગ્રેસમાં ભંગાણ પડાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જાતિ આધારિત વોટબેન્કને આગળ રાખીને ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને તોડવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપ હાઈ કમાન્ડ દ્વારા ટેલિફોનથી બે થી ત્રણ વાર મારો સંપર્ક કરવામાં આવ્યો છે.
જામજોધપુર બેઠક હાલ કોંગ્રેસ પાસે છે. ધારાસભ્ય ચિરાગભાઇ કાલરિયાને ભાજપમાં જોડવા પ્રયત્ન થાય છે. ઉપરાંત લાલપુરના પૂર્વ સરપંચ સમીર ભેસદડીયા, દિલીપભાઇ ભોજાણી, પૂર્વ મંત્રી ચિમનભાઇ શાપરીયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા અને અન્ય ત્રણેક આગેવાનો ટિકીટ માગી શકે છે.
ચિમનભાઈ શાપરિયા
આ બેઠક પર પાટીદાર સમાજનું પ્રભુત્વ હોવાથી ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં જામજોધપુર બેઠક પર રિપિટની થિયરી અપનાવી હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ચિમનભાઈ શાપરિયાને ટીકીટ આપી હતી. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે કોંગ્રેસને હારનો સ્વાદ ચખાડ્યો હતો, તો વર્ષ 1995 અને વર્ષ 1998માં પણ જીત મેળવતા ભાજપનો ભગવો લહેરાયો હતો.
ચીમનભાઈ શાપરિયાએ એક મજબૂત નેતાની છાપ ઊભી કરી છે. તેઓ વર્ષ 1980થી રાજકારણમાં સક્રિય છે. વર્ષ 1984થી વર્ષ 1994 સુધી જામજોધપુર તાલુકા ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. વર્ષ 1999 થી 2001 સુધી કેશુભાઈ પટેલની સરકારમાં માર્ગ મકાન મંત્રી પણ રહી ચૂક્યા છે. વર્ષ 2001થી 2002 સુધી કૃષિ અને ઊર્જા મંત્રી તરીકે પણ ફરજ બજાવી હતી. ચિમનભાઈ શાપરિયા શિક્ષણ સમિતિના ચેરમેન અને કારોબારી સભ્ય પણ રહી ચૂક્યા છે.