Jamnagar News: જામનગર જિલ્લાના જોડીયા તાલુકાની સરકારી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ જર્જરીત ઇમારત ઉપરાંત શિક્ષકોની ઘટ વચ્ચે અન્ય શાળામાં ભણવા માટે મજબૂર બન્યાં છે.
કિંજલ કારસરીયા, જામનગરઃ એકબાજુ સરકારી ‘ભણશે ગુજરાત... આગળ વધશે ગુજરાત...’ના સૂત્રની ગુલબાંગો પોકારી રહી છે. તો બીજી તરફ, તેનાથી વિરુદ્ધનું દૃશ્ય અનેકવાર સામે આવતું હોય છે. તો વધુ એકવાર જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાંથી આવું જ દૃશ્ય સામે આવ્યું છે અને તેણે સરકારના પોકળ દાવાઓની પોલ ખોલી નાંખી છે. ઘટના એવી છે કે, જિલ્લાના જોડીયા તાલુકાની સરકારી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ જર્જરીત ઇમારત ઉપરાંત શિક્ષકોની ઘટ વચ્ચે અન્ય શાળામાં ભણવા માટે મજબૂર બન્યાં છે. હવે આ પરિસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યની સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. તેમનું ભણતર બગડી રહ્યું છે. તો આ ઘટના માટે કોણ જવાબદાર હશે?
જામનગરના જોડીયામાં આવેલી શેઠ કેડીવી સરકારી હાઈસ્કૂલનું બિલ્ડિંગ ભૂતિયા બંગલા જેવું લાગી રહ્યું છે. 2019માં આ શાળા સલામત ન હોવાની પીડબ્લ્યુડી વિભાગે જાણકારી આપી હતી. છેલ્લા ચાર વર્ષથી આવી જ હાલતમાં રહેલી સરકારી હાઈસ્કૂલનું સંકુલ હાલ જંગલ જેવા વાતાવરણમાં ખખડધજ હાલતમાં ઉભુ છે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ અન્યત્ર શિક્ષણ લેવા માટે મજબૂર બન્યા છે. ત્યારે જૂના વિશાળ સંકુલમાં આવેલી જર્જરીત શાળાની હાલત જોઈ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
જામનગર જિલ્લામાં આવેલું જોડીયા તાલુકા મથક છે. પરંતુ તાલુકા મથકમાં આવેલી સરકારી હાઈસ્કૂલ છેલ્લા ચાર-ચાર વર્ષથી જર્જરિત છે. જર્જરિત શાળાના બિલ્ડીંગને કારણે વિદ્યાર્થીઓ સવારને બદલે બપોરે તાલુકા શાળામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. આ સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ચાર ધોરણ વચ્ચે માત્ર ત્રણ શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. અધૂરામાં પૂરું પ્રિન્સિપાલ પણ ન હોવાથી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે એક શિક્ષિકાને ફરજ બજાવી પડી રહી છે. ત્યારે શાળાનું સંકુલ ઉપરાંત શિક્ષકોની ઘટ પણ અહીં જોવા મળી રહી છે.
જોડીયાની સરકારી હાઈસ્કૂલમાં કુલ સાત પ્રિન્સિપાલ સહિતના શિક્ષકોનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. પરંતુ હાલ માત્ર ત્રણ શિક્ષિકાઓ છે. આ ઉપરાંત એક ક્લાર્ક પણ અહીં હયાત છે. જેને પણ અન્ય કચેરીમાં ખસેડવાની વાત કરવામાં આવી રહી છે, ત્યારે સ્થાનિકો પણ પોતાના બાળકોના શિક્ષણને લઈને અનેક વખત રજૂઆતો કરી ચૂક્યા છે.
શિક્ષકો વગર અભ્યાસક્રમ પૂરો કરવામાં આવ્યો
જોડીયાની સરકારી હાઈસ્કૂલમાં છેલ્લા કેટલાય વર્ષથી ગણિત-વિજ્ઞાન જેવા વિષયના શિક્ષકો વગર અભ્યાસક્રમ પૂરો કરાવવામાં આવી રહ્યો છે. છેવાડામાં આવેલા જોડિયાની આ સરકારી હાઈસ્કૂલના જર્જરીત બિલ્ડીંગ ઉપરાંત શિક્ષકોની ઘટ પણ વિદ્યાર્થીઓને શિક્ષણમાં મુશ્કેલી ઊભી કરી રહી છે.