Home /News /jamnagar /Jamnagar News: મોસ્કોથી ગોવા જતી ફ્લાઇટમાં બોમ્બ ન હોવાનું જાણવા મળતા 14 કલાક બાદ પરત મોકલાઈ

Jamnagar News: મોસ્કોથી ગોવા જતી ફ્લાઇટમાં બોમ્બ ન હોવાનું જાણવા મળતા 14 કલાક બાદ પરત મોકલાઈ

મોસ્કોથી ગોવા જતી ફ્લાઇટમાં બોમ્બ ન હોવાનું જાણવા મળતા 14 કલાક બાદ પરત મોકલાઈ

Jamnagar News: જામનગરમાં ગઈકાલે રાતે મોસ્કોથી ગોવા જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાનો મેઇલ આવતા ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે ઓલ ક્લિયરની જાહેરાત થતા ફ્લાઇટને પરત મોકલાઈ હતી.

    કિંજલ કારસરીયા, જામનગરઃ રશિયાના મોસ્કોથી 9 જાન્યુઆરી, 2022ના દિવસે રવાના થયેલું એક ચાર્ટર વિમાન ગોવા જઈ રહ્યું હતું. ત્યારે આ પ્લેનમાં કોઈએ બોમ્બ મૂક્યો હોવાનો ઈમેલ આવ્યો હતો. જેને લઈને પ્લેનના ક્રૂ-મેમ્બરને ખબર પડતા તેમણે પાયલોટને જાણ કર્યા પછી પાયલોટે તાકીદના પગલાં ભરી આ પ્લેનને ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવા માટે તજવીજ શરૂ કરી હતી.

    તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું


    તે માટે એરપોર્ટ તંત્ર સાથે પાયલોટની થયેલી વાતચીતના અંતે તે પ્લેનને રાત્રે નવેક વાગ્યે જામનગર એરપોર્ટ પર લેન્ડ કરાવવા સૂચના આપવામાં આવી હતી અને એરફોર્સ સ્ટેશન દ્વારા આ બાબતની જિલ્લા કલેક્ટર ડો. સૌરવ પારધી તથા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને વિગત અપાતા બંને તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયા હતા.

    તમામ તૈયારીઓ કરવામાં આવી હતી


    એસપી ડેલુની સુચનાથી જામનગરની બીડીએસ ટૂકડી તેમજ એલસીબી, એસઓજીનો સ્ટાફ અને અન્ય પોલીસ કાફલો એરપોર્ટ જવા રવાના થઈ ગયો હતો. આ ઉપરાંત ફાયરબ્રિગેડ, 108 એમ્બ્યુલન્સની ટીમને પણ ખડેપગે રાખવામાં આવી હતી. તદ્ઉપરાંત જી.જી. હોસ્પિટલમાં પણ કોઈપણ ઈમર્જન્સીને પહોંચી વળવા માટેની વ્યવસ્થા ગોઠવી લેવામાં આવી હતી.


    તમામ મુસાફરોને સલામતીપૂર્વક કાઢી લેવાયાં


    જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીએ રાજ્યના ગૃહવિભાગ તેમજ છેક દિલ્હી સુધી વાતચીત કર્યા પછી તંત્રની તમામ તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરે વાત કરી હતી અને કોઈપણ પરિસ્થિતિને ભરી પીવા માટે તંત્ર સજ્જ હોવાની ખાતરી આપી હતી. આ દરમિયાન દસેક વાગ્યાની આજુબાજુમાં પ્લેનને જામનગરના એરબેઝ પર લેન્ડ કરાવવામાં આવ્યું હતું. તે પ્લેનમાંથી અત્યંત સાવચેતીપૂર્વક 236 જેટલા મુસાફરોને સહી સલામત રીતે ઉતારી લઈ સલામત સ્થળે લઈ જવાયા હતા. આ ઉપરાંત પ્લેનમાં રહેલા 8 ક્રૂ-મેમ્બરને પણ બહાર કાઢી લેવાયા હતા. ત્યારબાદ જામનગર બીડીએસની ટુકડીએ પ્લેનને ચકાસવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સતત રણકતા રહેતા ફોન વચ્ચે જિલ્લા કલેક્ટર દ્વારા મુસાફરો અને ક્રૂ-મેમ્બરો સલામત છે તેવો સંદેશો જામનગરની જનતાને પત્રકારોના માધ્યમથી પાઠવ્યો હતો.

    આ પણ વાંચોઃ કોણ હશે ગુજરાતના નવા DGP? આ અધિકારીઓના નામ ચર્ચામાં

    સતર્કતાથી તલાશી હાથ ધરવામાં આવી


    આ દરમિયાન દિલ્હીથી ખાસ તાલીમ પામેલા NSG કમાન્ડો વિમાન માર્ગે જામનગર આવવા માટે નીકળી ચૂક્યા હતા. મોડીરાત્રે તેમના આગમન પછી પ્લેનની અત્યંત સાવધાની અને સતર્કતાથી તલાશી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ પ્લેનમાં બોમ્બ ન હોવાની જાહેરાત કરવામાં આવી હતી. પ્લેનમાં બોમ્બ ન હોવાની વિગતો જાહેર થયા પછી પણ અત્યંત સતર્કતા દાખવવામાં આવી હતી.

    ચકાસણી કર્યા બાદ ઓલ ક્લિયરનો સંદેશો જાહેર થયો


    આ પ્લેનને તલસ્પર્શી રીતે ચકાસી લેવાયા પછી ઓલ ક્લિયરનો સંદેશો જારી થયો હતો અને તે પછી બપોરે 12.48 કલાકે આ પ્લેનને ગોવા તરફ રવાના થવા જામનગર એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તેમજ દિલ્હીથી આવેલી ખાસ ટીમે રાતભર કરેલી ચકાસણી પછી સવારે તે પ્લેનમાં બોમ્બ ન હોવાનું ખૂલ્યું ત્યાં સુધી જામનગરના વહીવટી અને પોલીસતંત્રએ જે સતર્કતા રાખી તે બાબત ખરેખર કાબિલેદાદ છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Jamnagar Air Force station, Jamnagar City, Jamnagar News

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन