જામનગર: શહેરમાં એક મગજ ચકરાવે ચઢાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. કેટલાક વ્યક્તિઓ પાસેથી ઇન્કમટેક્સમાં નોકરી આપવી દેવાની લાલચે લાખો રૂપિયા ખંખેરી લેનાર વ્યક્તિ સામે છેતરપિંડી અંગેનો ગુનો નોંધાયો છે. ખીમરાણાના બ્રાસપાટના એક વેપારી પાસેથી રૂપિયા 23.98 લાખનો પિત્તળનો માલ સામાન ખરીદી કરી હતી. જે બાદ આ રુપિયા ભરવા ન પડે તે માટે પોતાને મૃત જાહેર કરાવી દીધો હતો. પરંતુ છેતરપિંડી અંગેના મામલો સામે આવ્યાં પછી વેપારી પણ જાગૃત થયા હતા અને જેલમાં રહેતા આરોપીની ઓળખ કરી લીધી હતી અને પોતાની સાથે રૂપિયા 23.98 લાખની છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતા અને બ્રાસપાટનો વ્યવસાય કરતા રવજીભાઈ પ્રાગજીભાઈ ધારવીયા નામના વેપારીએ પોતાની પાસેથી રૂપિયા 23.98 લાખની છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે. તેમણે આ ફરિયાદ જામનગરના વિશાલ હેમંતભાઈ કણસાગરા અને તેને મદદ કરી તેને મૃત જાહેર કરવા તેના પિતા હેમંતભાઈ કણસાગરા સામે પણ પોલીસે ગુનો નોંધ્યો છે.
ગત તારીખ 1-1-2019 ના દિવસે ફરિયાદી વેપારી પાસે આરોપી વિશાલ કંસાગરા આવ્યો હતો અને પોતે ભારતની ખ્યાતનામ હેવલ્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીના કર્મચારી તરીકે કામ કરે છે અને બ્રાસપાર્ટનો માલ સામાન ખરીદવો છે. આવું લોભામણું કહીને 23.98 લાખનો માલ ખરીદી લીધો હતો. જે પછી પેયમેન્ટ કર્યુ ન હતુ. ત્યારબાદ વેપારી દ્વારા વિશાલ કણસાગરાની શોધખોળ કરાવતા તેના પિતા હેમતભાઈ કણસાગરાએ પોતાનો પુત્રનું નિધન થયું છે તેમ જાહેર કરવામાં આવ્યુ હતુ.
જેથી વેપારીને લાગ્યુ હતુ કે, પોતાનાં રૂપિયા હવે પરત નહીં આવે. જોકે, વિશાલ કણસાગરા સામે જુદા જુદા પોલીસ મથકમાં લોકોને નોકરી અપાવી દેવાના બહાને ચીટીંગના ગુનાઓ નોંધાયા હતા, જેથી તેઓએ તપાસ કરી હતી.
વિશાલ હાલ જેલમાં બંધ છે. ફરિયાદીએ આની તપાસ કરતા જાણ થઇ કે, આરોપી વિશાલ જીવે છે. જેથી રવજીભાઈ ધારવીયા એ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિશાલ હેમતભાઈ કણસાગરા અને તેના પિતા હેમંતભાઈ કણસાગરા સામે ફરિયાદ નોંધાવી છે.