Kishor chudasama, Jamnagar : જામનગર પંથકના ખેડૂતોની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે તેવી છે. કારણ કે હાલ જીરુંના ભાવ ઉચ્ચ સપાટીએ પહોંચ્યા છે. પરંતુ વતાવરણમાં પ્રતિકુળતાને પગલે જામનગર પંથકના ગ્રામ્ય વિસ્તારોના જીરુંના પાકમાં સુકારાનો રોગ લાગુ પડ્યો છે અનેક જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યા બાદ પણ પાકમાં સુકારો અટકવાનું નામ જ નથી લેતો. ત્યારે જમીન જન્ય ફૂગથી થાતા આ રોગને અટકાવવા જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સિનિયર સાયન્ટિસ્ટ કે. પી. બારૈયાએ માહીતી આપી છે.
જીરુને 40 થી 50 દિવસ બાદ પિયત આપવું બંધ કરવું જોઈએ
સુકારાના કારણે રોગમાં જીરુંના છોડના પાન અને ડાળિયો એકાએક નમી પડે છે અને છોડ સુકાય જાય છે. ત્યારે સિનિયર સાયન્ટિસ્ટ કે. પી. બારૈયાએ ખેડૂતોને માહિતી આપતા જણાવ્યું કે જીરુંના પાકને 40 થી 50 દિવસ બાદ પિયત આપવું બંધ કરવું જોઈએ. હાલ જે જીરુમાં સુકારો આવી રહ્યો છે ત્યારે આ રોગને અટકાવવા એક માત્ર હથિયાર છે કેમિકલ. રોગને અટકાવવા 15 દિવસના ગાળામાં 2 વખત જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તો 99 ટકા રક્ષણ મેળવી શકાય છે.
કઈ દવા આપવી જોઈએ?
ફોઝેટાંઈલ-એ.એલ. દવા 15 ગ્રામ અથવા
ટેબુકોનાઝોલ + ફ્લોસીસ્ટ્રોબીન દવા 15 ગ્રામનો છંટકાવ કરવો જોઈએ. એઝોઝીસ્ટ્રોબીન દવા 15 ગ્રામ, ઉપરાંત ટેબુકોનાઝોલ દવા ૩૦ મિલીનો છંટકાવ કરી શકાય છે. આ દાવોએ પૈકી કોઈ પણ એક દવા ૧૫ લીટરના પમ્પમાં નાખીને છંટકાવ કરવો જોઈએ. ઉપરાંત 50 દિવસ બાદ જુરુને પિયત આપવાનું ટાળવુ જોઈએ. તેમ સિનિયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિયુનિવર્સીટી, જામનગરના કે.પી.બારૈયાએ જણાવ્યું છે.