Kishor chudasama, jamnagar: જામનગરમાં આવેલી કંસારા માર્કેટ લગભગ 150 થી 200 વર્ષ જૂની છે. જામનગરમાં અન્ય બજારોની માફક કંસારા બજારમાં વાસણો એક પછી એક ચડિયાતી વેરાઈટીમાં સસ્તા ભાવે મળી રહ્યા છે. કારણકે જામનગરમાં કપડાં માટે સસ્તા ભાવમાં અને વેરાટીઓનો ખજાનો જોવો હોય તો લોકો આજે પણ સુપર માર્કેટને પસંદ કરી રહ્યા છે. તે જ રીતે કરિયાણા ખરીદવા માટે ગ્રેઇન માર્કેટ પ્રખ્યાત છે. તો આવી જ રીતે કંસારા માર્કેટ વાસણો માટે ખૂબ પ્રખ્યાત છે.
આ બજાર 200 વર્ષ જૂની હોવાથી આવી આવેલી પેઢીના મોટાભાગના વેપારીઓ અનુભવી, વિશ્વાસપાત્ર અને જૂના છે. તેઓ માત્ર હોલસેલ વેપાર જ નહીં પરંતુ છૂટક વેપાર પણ કરે છે. જેથી લોકોને અહીંથી ખરીદી કરવી પરવડે છે.
જામનગરની કંસારા બજારની લગભગ સૌથી જૂની પેઢી ગણાતા દુર્ગા મેટલ્સ અને તુલસી મેટલ્સના માલિક સુનિલભાઈએ જણાવ્યું કે જામનગરમાં અમારી પેઢી છેલ્લા ૫૮ વર્ષથી વાસણના વેચાણ કરી રહી છે. જેમાં ગામડેથી મોટી સંખ્યામાં લોકો ખરીદી અર્થે આવે છે. કારણ કે અહીં લગ્ન ઉપરાંત જીયાણા અને પિતૃક્રિયા સહિતની તમામ પ્રસંગોના વાસણો વેરાઈટીમાં ઉપલબ્ધ હોવાથી લોકો આ સ્થળે ખરીદીને પ્રાથમિકતા આપે છે.
૧૫ થી ૨૦ ટકા સુધીનો ભાવમાં પણ ફાયદો
તેઓએ જણાવ્યું કે અગાઉના જમાનામાં તાંબું, કાંસાના વાસણની સૌથી મોટી માંગ હતી. ત્યારબાદ હવે તેમાં પરિવર્તન આવ્યું છે અને લોકો હવે, સ્ટીલ, ફાઇબર તથા પ્લાસ્ટિકની વસ્તુ પસંદ કરી રહ્યા છે. જેમાં પણ અલગ અલગ વેરાઈટી આવી રહી છે અને હાલ લેઝર સહિતના વાસણો ગ્રાહકોની પ્રથમ પસંદગી બની રહ્યા છે. બીજી બાજુ અહીં હોલસેલ ખરીદી કર્યા બાદ છૂટકમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેથી લોકોને અન્ય બજારની સરખામણીએ ૧૫ થી ૨૦ ટકા સુધીનો ભાવમાં પણ ફાયદો મળે છે. બીજી તરફ ગામડાના નાના દુકાનદારો પણ અહીંથી વસ્તુઓ લઈ જાય છે.