સંજય વાઘેલા, જામનગર: જામનગરમાં કોરોનાના કેસમાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. હવે ધીમે ધીમે પોઝિટિવ આંકડા ત્રણ ડિજિટમાં આવી રહ્યા છે. સોમવારે જામનગર જિલ્લામાં 227 કેસ નોંધાયા છે. શહેરમાં 172 દર્દી અને ગ્રામ્યમાં 55 દર્દી કોવિડ પોઝિટિવ નોંધાયા છે. જામનગરમાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા પંચાયતના પ્રમુખ સહીત અનેક ટોચના અધિકારીઓ પર કોરોના પોઝિટિવ આવ્યા છે, જેઓ હાલ હોમ આઇસોલટ છે. બીજી બાજુ કોરોનાની ટેસ્ટિંગ અને વેક્સીનેશન સહિતની કામગીરી તેજ કરવામાં આવી છે.
જામનગરમાં પાથરણાવાલા, શાકભાજીની લારી સંચાલકોના ટેસ્ટિંગ કરતા કોર્પોરેશનના અધિકારીઓના કોરોના રિપોર્ટ પણ હવે પોઝિટિવ આવી રહ્યા છે. આ અધિકારીઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હોઈ તેઓએ રિપોર્ટર કરાવી લેવો.
જામનગર જિલ્લામાં સોમવારે શહેર અને ગ્રામ્યમાં 227 કેસ નોંધાયા હતા, આ સાથે જ જામનગર જિલ્લામાં કોરોનાના હાલ 1000 થી વધુ એકટીવ કેસ થઇ ગયાં છે. એટલું જ નહીં જામનગરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના પણ 5 કેસ નોંધાઈ ચુક્યા છે. કોર્પોરેશન અને પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરમાં 6 લાખ 10 હજાર 400 લોકોના અને ગ્રામ્ય પંથકમાં 5 લાખ 41 હજાર 800 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી ચૂક્યું છે.
કોરોનની ત્રીજી લહેરમાં શરૂઆતમાં જ અનેક રાજકીય નેતાઓ અને કોરોનાને રોકવા માટે દિવસ રાત કામ કરતા અધિકારીઓ પણ ઝપેટમાં આવી રહ્યા છે. જામનગરમાં કલેક્ટર સૌરભ પારઘીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેઓ હાલ હોમ આઇસોલેટ થયા છે અને સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. તો કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારી રાજભા પણ કોરોના પોઝિટિવ થયા છે, આ સિવાય જામનગરના પૂર્વ સાંસદ અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ, પૂર્વ મેયર અમીબેન પારેખ, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશી ચનીયારા કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે.