કિંજલ કારસરીયા, જામનગર : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આજે જામનગર (Jamnagar) જિલ્લામાં લમ્પી વાયરસ (lumpy virus)ની સ્થિતિનું નિરીક્ષણ કરવા અર્થે શહેરની મુલાકાતે છે ત્યારે જામનગર મહાનગપાલિકા દ્વારા શહેરના ગોલ્ડન સીટી પાછળ, સોનલનગર ખાતે લમ્પી "વાયરસ સારવાર કેન્દ્ર" (Virus Treatment Center) ઊભું કરવામાં આવ્યું છે, જેની મુખ્યમંત્રીએ મુલાકાત લઈ પશુઓની સારવાર માટે ઊભા કરવામાં આવેલી તમામ પ્રકારની સુવિધાઓનું નિરીક્ષણ કરી અધિકારીઓ તેમજ પશુપાલન વિભાગને જરૂરી સૂચનો કરી પશુઓની યોગ્ય રીતે કાળજી લેવા જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જે લમ્પી વાયરસ સારવાર કેન્દ્રની મુલાકાત લીધી છે તે સેન્ટર જામનગર મહાનરપાલિકા દ્વારા રૂ.30 લાખના ખર્ચે 50 હજાર ચોરસફૂટની જગ્યામાં ઊભું કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં શહેરના લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવશે તેમજ વેક્સીનેશન અને પશુ એમ્બ્યુલન્સની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. જ્યાં સુધી અસરગ્રસ્ત પશુ તંદુરસ્ત ન થાય ત્યાં સુધી તેના રહેઠાણ અને ખોરાકની વ્યવસ્થા અંગેની પણ આ સેન્ટર પર કાળજી લેવામાં આવશે.
જામનગર જિલ્લામાં નોંધાયેલા 138176 પશુધન પૈકી અત્યાર સુધી 110456 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ અસરગ્રસ્ત તમામ 5405 પશુઓને પશુપાલન વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી છે.