જામનગરઃ અઝૂર એર લાઇન્સના પ્લેનમાં બોમ્બ હોવાની આશંકા સાથે જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મોસ્કોથી ગોવા આવી રહેલી રશિયન એરલાઇન અઝૂર એર લાઇન્સની ફ્લાઈટમાં સોમવારે રાત્રે બોમ્બ હોવાની માહિતી મળી હતી. લેન્ડિંગ બાદ તમામ 236 મુસાફરો અને 8 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે ફ્લાઇટની બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ આજે મંગળવારે આ મામલે જામનગર કલેક્ટર ડૉ. સૌરભ પારઘીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ફ્લાઈટ કે સામાનમાં વાંધાજનક વસ્તુ મળી નથી.
'ફ્લાઈટ કે સામાનમાં વાંધાજનક વસ્તુ નથી મળી'
જામનગરમાં ફ્લાઈટમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. જેના પગલે વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જામનગર કલેક્ટર ડૉ. સૌરભ પારઘીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ફ્લાઈટ કે સામાનમાં વાંધાજનક વસ્તુ મળી નથી. અંદાજે 2 કલાક બાદ ફ્લાઈટ ઉડાન ભરશે. ગઈકાલ રાત્રે 9 વાગ્યાથી અધિકારીઓ સ્ટેન્ડ બાય હતા. દિલ્હીથી NSGની ટીમે પણ તપાસ કરી હતી.
ઇન્ટરનેશનલ ફ્લાઇટ મોસ્કોથી ગોવા જઈ રહી હતી. તેમાં બોમ્બની આશંકાને લઈને જામનગર એરપોર્ટ પર તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જામનગરની એલસીબી, એસઓજી ડીવાયએસપી સહિતના સુરક્ષાકર્મીઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો એરપોર્ટ પર દોડી આવ્યો હતો. જામનગર એરપોર્ટ પર બોમ્બ સ્ક્વોર્ડ પણ પહોંચી ગઈ હતી. તેમજ 5થી વધુ એમ્બ્યુલન્સ એરપોર્ટ પર પહોંચી ગઈ હતી. મહત્વનું છે કે, ગોવા ATCને બોમ્બ અંગેનો ઇમેલ મળ્યો હતો. જે ઇમેલ મળ્યા બાદ ફ્લાઇટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. ફ્લાઈટમાં 236 વિદેશી પેસેન્જરો સવાર હોવાનું જાણવા મળ્યું હતું. ગઇકાલે રાત્રથી જ જામનગર એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો.