રવિ બુદ્ધદેવ, જામનગરઃ જામનગર શહેરના ભાજપના મહિલા કોર્પોરેટરના રણચંડી સ્વરૂપનો વીડિયો વાયરલ થયો છે. મહિલા કોર્પોરેટરે કમિશ્નરની ઓફિસમાં લાકડીવાળી કરી હતી. જામનગર શહેરમાં આવેલા તળાવની પાળ વિસ્તરામાં નાની દુકાનો, રેકડી અને પાથરણાંવાળા નાના ધંધાર્થીઓને જગ્યા રોકાણ વિભાગ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદ સાથે ભાજપના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અને કમિશ્નરની ચેમ્બરમાં લાકડી લઇને પહોંચી ગયા હતા.
મળતી માહિતી અનુસાર મનપામાં આજે બપોરે સાડા બાર વાગ્યે મનપામાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચનાબેન રૌદ્રરૂપમાં આવી ગયા હતા અને મનપા સંકુલમાં હાથમાં લાકડી લઈ સીધા જ આસી.કમિશનર મુકેશ વરણવાની ચેમ્બરમાં લાડકી લઈને પહોંચી ગયા હતા. આસી.કમિશનર કંઈ સમજે-વિચારે એ પહેલાં જ રચનાબેને ટેબલ પર પડેલી ફાઈલો પર લાકડી વિંઝવાનું શરૂ કરી રેકડીવાળાઓને શું કામ હેરાન કરો છો? હું પોલીસથી ડરતી નથી જેવા શબ્દો કહી ગુસ્સો ઉતાર્યો હતો.
વધુમાં આટલેથી જ નહીં અટકતા રચનાબેન એસ્ટેટ વિભાગ અને આસી, કમિશર મુકેશ વરણવાની નીતિ-રીતિ અંગે ફરિયાદ કરવા માટે સીધાં જ કમિશનર સતીષ પટેલની ચેમ્બરમાં પહોંચી ગયા હતા. જોકે પરિસ્થિતિ પામી ગયેલા કમિશનરે કોર્પોરેટર રચનાબેર નંદાણિયાને શાંત પાડી જે કંઈ પણ પ્રશ્ન હોય તેનો ઉકેલ લાવવા હૈયાધારણ આપી હતી. જો કે રચનાબેનની દંબગાઈ સ્ટાઈલથી આસી.કમિશનર વરણવાની ચેમ્બરમાં લાકડીઓ વિંઝવાને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે.